
પેરીસ: ઇઝરાયલ દ્વારા ગાઝામાં થઇ રહેલા પેલેસ્ટિનિયન નાગરીકોના નરસંહાર સામે દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા (Genocide in Gaza) છે. ભારત સહીત ઘણા દેશો હુમલા તાત્કાલિક રોકવા અને ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચવા દેવા ઇઝરાયલને અપીલ કરી છે. એવામાં ફ્રાન્સે મહત્વ પૂર્ણ પગલું ભર્યું છે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી કે ફ્રાન્સ પેલેસ્ટાઇનને એક અલગ દેશ તરીકે માન્યતા (Emmanuel Macron about Palestinian state) આપશે. ઘણા દેશોએ આ નિર્ણયનું સ્વગાત કર્યું છે, જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ રોષ વ્યક્ત કર્યો છે.
ગત સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટમાં ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ રજુ કરશે. સાથે તેમણે યુદ્ધ તાત્કાલિક બંધ કરવા અને લોકોને બચાવવાની હાકલ કરી છે. G-7 સભ્યોમાં આવું કરનાર ફ્રાન્સ પહેલો દેશ છે.
મેક્રોને X લખ્યું, “આપણે તાત્કાલિક યુદ્ધવિરામ કરાવવો પડશે, બધા બંધકોને મુક્ત કરવામાં આવે, ગાઝાના લોકોને મોટા પાયે માનવતાવાદી સહાયની જરૂર છે. આપણે ગાઝાને સુરક્ષિત બનાવવું પડશે અને તેનું પુનર્નિર્માણ કરવું જોઈએ અને પેલેસ્ટાઇનને રાજ્ય બનાવવું જોઈએ.”
ગાઝામાં ભયાનક માનવીય આપત્તિ:
મે મહિનાથી માંડીને અત્યાર સુધીમાં સહાયતા કેન્દ્રો પર ખોરાકની લેવા આવેલા એક હજારથી વધુ ગાઝાવાસીઓની ઈઝરાયેલે હત્યા કરી છે, અને હાલ લાખો લોકો ઇઝરાયલે ઉભા કરેલા ભૂખમરાને કારણે મોતના આરે છે. ઇઝરાયલ ભૂખમરાને એક હથિયારને જેમ ઉપયોગ કરી રહ્યું છે. હાડપિંજર જેવા થયેલા બાળકોના શશિરો અને ઇઝરાયલી આર્મીએ મારી નાખેલા બાળકોની દર્દનાક તસ્વીરો દરોરોજ જાહેર થઇ રહી છે. ત્યારે ઘણા દેશના નાગરીકો તેમની સરકારને હસ્તક્ષેપ કરવા અપીલ કરી રહ્યા છે.
પેલેસ્ટાઇનને 140થી વધુ દેશોનો સાથ:
ઇઝરાયલની નાકા બાંધીને કારણે ગાઝામાં ઉભી થયેલી માનવીય આપત્તિ જોતા એમેન્યુઅલ મેક્રોનને લાગી રહ્યું છે કે આ કાર્યવાહી કરવાનો સમય છે. યુરોપિયન યુનિયનના આયર્લેન્ડ, નોર્વે અને સ્પેન જેવા દેશો ઇઝરાયલની બર્બરતા વિરુદ્ધ અગાઉ અવાજ ઉઠાવી ચુક્યા છે. યુકે અને જર્મનીના નેતાઓ આજે શુક્રવારે ગાઝામાં માનવતાવાદી આપત્તિ અંગે પગલા લેવા અંગે મહત્વના નિવેદનો આપી શકે છે.
દુનિયાભરના 140થી વધુ દેશોએ પેલેસ્ટાઇનને એક અલગ દેશ તરીકે માન્યતા આપી ચુક્યા છે, પરંતુ ઇઝરાયલ પેલેસ્ટાઇનને અલગ દેશનો દરજ્જો આપવા તૈયાર નથી, અહેવાલ મુજબ ઇઝરાયલનો ઈરાદો ગાઝા અને વેસ્ટ બેંક સહીત સમગ્ર જમીન હડપીને ‘ગ્રેટર ઇઝરાયલ’ બનાવવાનો છે.
નેતન્યાહૂએ વાંધો ઉઠાવ્યો:
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્રાન્સની આ જાહેરાત સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું, “અમે ઇઝરાયલ રાષ્ટ્રપતિ મેક્રોનના આ નિર્ણયની સખત નિંદા કરીએ છીએ. પેલેસ્ટિનિયન રાજ્ય ઇઝરાયલનો નાશ કરવા માટે લોન્ચ પેડ બની શકે છે.”
પેલેસ્ટાઇન પર ઇઝરાયલનો ગેરકાયદે કબજો:
નોંધનીય છે કે 18 મે 1948માં ઇઝરાયલની સ્થાપના થઇ એ પહેલા સમગ્ર પ્રદેશ પેલેસ્ટાઇન તરીકે ઓળખાતો હતો. એ સમયે પેલેસ્ટાઇન બ્રિટીશરોના કબજા હેઠળ હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપથી પલાયન કરેલા યહુદીઓને વસાવવા માટે હજારો પેલેસ્ટિનિયન ગામડાનો નાશ કરી અને શહેરો પર કબજો કરીને ઇઝરાયલની સ્થાપના કરવામાં આવી હતી. બાદમાં યુનાઇટેડ નેશન્સે ઇઝારલ અને પેલેસ્ટાઇન બંને દેશોની સીમા નિર્ધારિત કરી આપી હતી અને ‘ટૂ સ્ટેટ સોલ્યુશન’ આપ્યું હતું. પરંતુ ઇઝરાયલ સતત પેલેસ્ટાઇનનો વિસ્તાર કબજે કરી રહ્યું છે. UNના વિરોધ છતાં ઇઝરાયલ વેસ્ટ બેંકમાં સતત ગેરકાયદે કોલોની ‘સેટલમેન્ટ’ વસાવી રહી છે. હવે ઇઝરાયલે ગાઝાના લગભગ સંપૂર્ણ નષ્ટ કરી નાખ્યું છે, ઇઝરાયલનો ઈરાદો આ સમગ્ર પ્રદેશ કબજે કરવાનો છે.
આ પણ વાંચો…ફ્રી પેલેસ્ટાઇનના નારા સાથે વ્યક્તિએ અમેરિકાના કોલોરાડોમાં પેટ્રોલ બોંબ ફેંક્યો, છ લોકો દાઝ્યા