ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ફફડાટઃ પીઓકેમાં કટોકટી, ડોક્ટર્સ – પેરામેડિકલ સ્ટાફની રજા રદ્દ

લાહોરઃ પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અન પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઝેલમ નદીમાં અચાનક જળસ્તર વધતાં પાકિસ્તાનના તાબા હેઠળના પીઓકેએ અનેક પ્રતિબંધો લગાવ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે, તેમજ હોસ્પિટલોને પણ કટોકટી માટે તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. સરકારી વાહનોના ખાનગી ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

શું લખવામાં આવ્યું છે આદેશમાં?

દેશમાં કટોકટીની સ્થિતિને જોતાં તમામ સ્વાસ્થ્ય કેન્દ્રોના પ્રભારીને અનિચ્છનીય ઘટના બને તો તમામ જિલ્લા હોસ્પિટલો, સારવાર કેન્દ્રોમાં ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ચાલકોને તૈયાર રહેવા જણાવ્યું છે. ઉપરાંત જે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ રજા પર હોય તેમને તાત્કાલિક રજા કેન્સલ કરીને ફરજ પર હાજર થવાનું કહેવામાં આવ્યું છે. બેદરકારી દાખવનારા ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવશે. આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

પહેલગામ અને આસપાસના વિસ્તારમાં વધી શકે છે આતંકી ગતિવિધિ

ભારત ગમે ત્યારે મોટી કાર્યવાહી કરશે તેવા ભયથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ ઈમરજન્સીના આદેશથી ગંભીરતાથી લીધો છે. ગુપ્તચર રિપોર્ટ અનુસાર, પહેલગામ અને તેની આસપાસના વિસ્તારમાં અસામાન્ય સૈન્ય કે આતંકી ગતિવિધિ વધી શકે છે. પાકિસ્તાની સેનાએ એકતા બતાવવા અને ભારત સામે આક્રમક પગલા લેવા કરાચીમાં રેલી કાઢી હતી.

પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. આ દરમિયાન આ વિસ્તારમાં કટોકટી પણ લાદવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ બધા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. અહેવાલ મુજબ ભારતે પાકિસ્તાનને જાણ કર્યા વિના ઝેલમ નદીમાં પાણી છોડી દીધું છે. જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાથી પાકિસ્તાનના સ્થાનિક વહીવટીતંત્રે હટિયન બાલામાં કટોકટી જાહેર કરી છે અને મસ્જિદોમાં જાહેરાતો દ્વારા સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાંથી પાણી પ્રવેશ્યું હતું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ચકોઠી વિસ્તારમાં પણ જળસ્તર વધી રહ્યું છે.

આ પણ વાંચો…બલુચિસ્તાનમાં ફરી હુમલો, IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકોનાં મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button