ઇન્ટરનેશનલમનોરંજન

પાકિસ્તાની અભિનેત્રી ડેથ મિસ્ટ્રી: 9 મહિના પછી મળ્યો મૃતદેહ, હત્યાની શંકા

કરાંચી: ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એવા ઘણા અભિનેતા અને અભિનેત્રી છે. જેનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું છે. આવી ઘટનાઓમાં વધુ એક અભિનેત્રીના મૃત્યુનો સમાવેશ થયો છે. પાકિસ્તાની અભિનેત્રી અને મોડલ એવી હુમૈરા અસગરનું તેના બંધ ઘરમાં મૃત્યુ થયું છે. તેનો મૃતદેહ એવી અવસ્થામાં મળ્યો છે, જેનાથી અનેક અટકળો ઊભી થઈ છે.

હુમૈરાના ઘરે ગયેલી પોલીસ ચોંકી ઊઠી

2018થી અભિનેત્રી હુમૈરા અસગર કરાંચીના ડિફેન્સ એરિયામાં આવેલા એક ભાડાના ફ્લેટમાં એકલી રહેતી હતી. આસપાસના લોકો સાથે પણ તે વધારે વાતચીત કરતી ન હતી. ઓક્ટોબર 2024માં લાઈટ બીલ ભર્યું ન હતું. જેથી તેના ઘરનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. પડોશીઓના જણાવ્યાનુસાર તે જે ફ્લેટમાં રહેતી હતી. તેના ભાડાંને લઈને પણ મકાનમાલિક સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો. 7 જુલાઈ 2025ના કોર્ટના આદેશ પર પોલીસ અને કોર્ટના અધિકારીઓની ટીમ હુમૈરા પાસે ફ્લેટ ખાલી કરાવવા પહોંચી હતી. પોલીસે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. તેથી પોલીસે દરવાજો તોડી નાખ્યો હતો. અંદર જે હતું, તેને જોઈને પોલીસ અને કોર્ટના અધિકારીઓની ટીમ ચોંકી ગઈ હતી.

પોલીસને મળ્યો હુમૈરાનો મૃતદેહ

પોલીસ અને કોર્ટના અધિકારીઓની ટીમને બંધ ફ્લેટમાં હુમૈરા અસગરની લાશ મળી આવી હતી. જે બહું ખરાબ હાલતમાં હતી. હુમૈરાનો ચહેરો સંપૂર્ણ રીતે ઓગળી ગયો હતો અને માથાનો ભાગ પણ સડી ગયો હતો. માથું અને કરોડરજ્જુના હાડકાં પોતાની જગ્યાએ હતા, પરંતુ કરોડરજ્જુ જ ગુમ હતી. તેના મૃતદેહની હાલત એટલી ખરાબ હતી કે, તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.

નમૂના તપાસ માટે મોકલ્યા

હુમૈરા અસગરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેના શરીરના ઘણા ભાગમાં માંસ વધ્યું ન હતું. તેના હાડકાંને અડતાની સાથે જ તે તૂટી જતા હતા. માથું સંપૂર્ણ રીતે સડી ચૂક્યૂં હતું અને તેના સાંધામાં કાર્ટિલેજ ગાયબ હતું. જોકે, ડીએનએ પ્રોફાઇલિંગ અને ટૉક્સિકોલોજી રિપોર્ટથી વધુ જાણકારી મળી શકે છે. હુમૈરાના વાળ, કપડાં અને લોહીના નમૂનાને કેમિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

નવ મહિનાથી કોઈના સંપર્કમાં નહોતી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સપ્ટેમ્બર 2024 બાદ હુમૈરા અસગરે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી ન હતી. ઓક્ટોબર 2024માં હુમેરા અસગરે છેલ્લો કોલ કર્યો હતો. તેનું વોટ્સએપ પર લાસ્ટ સીન 7 ઓક્ટોબરનું હતું. આ સમય બાદ જ તેણે પરિવારજનો, મિત્રો અને પડોસિયો સાથે પણ કોઈ સંપર્ક કર્યો ન હતો. 20 ઓક્ટોબરે સ્ટાયલિસ્ટ દાનિશ મકસૂદે તેને મેસેજ કર્યો હતો. પરંતુ આ મેસેજ પણ સીન થયો ન હતો. જેથી તેનું મૃત્યુ 9 મહિના પહેલા થયું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

આપણ વાંચો:  કેનેડામાં કપિલ શર્માના Cap’s Cafe પર ફાયરિંગ: ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી, પોલીસ તપાસ શરૂ

ભાઈ લઈ ગયો બહેનનો મૃતદેહ

ઉલ્લેખનીય છે કે હુમૈરાએ છેલ્લા ઘણા વર્ષોથી પરિવારજનોથી પોતાને દૂર કરી લીધી હતી. બહેનના મૃત્યુની જાણ થતા તેનો ભાઈ નવીદ અસગર કરાંચી પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરીને હુમૈરાનો મૃતદેહ લઈ ગયો હતો. હુમૈરા અસગરે પાકિસ્તાની શો ‘તમાશા ઘર’ અને ફિલ્મમાં ‘જલેબી’ કામ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button