પાકિસ્તાનને ફટકોઃ ઘરઆંગણે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યું
મુલતાનઃ ડાબોડી સ્પિનર જોમેલ વારિકનની શાનદાર બોલિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે સોમવારે અહીં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનને 133 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને 120 રનથી જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝની જીત સાથે સીરિઝ 1-1થી ડ્રો રહી હતી. અગાઉ સોમવારે પાકિસ્તાન પોતાના બીજા દાવમાં 76 રનના સ્કોરથી દિવસની શરૂઆત કરી હતી અને તેને જીત માટે 178 રનની જરૂર હતી.
જોકે, યજમાન ટીમે વારિકનની સ્પિન બોલિંગ (27 રનમાં પાંચ વિકેટ) સામે બાકીની છ વિકેટ 57 રનમાં ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે 34 વર્ષથી વધુ સમયમાં પાકિસ્તાનમાં પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી હતી. ઓફ સ્પિનર કેવિન સિંકલેયર (61 રનમાં ત્રણ વિકેટ) અને ડાબોડી સ્પિનર ગુડાકેશ મોતી (35 રનમાં બે વિકેટ) એ પણ વારિકનને સારો સાથ આપ્યો હતો. વારિકન 19 વિકેટ સાથે સીરિઝમાં સૌથી સફળ બોલર રહ્યો હતો. આ હાર સાથે પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં છેલ્લા સ્થાને સરકી ગયું હતું. બંને ટીમોએ ડબલ્યૂટીસીની વર્તમાન સીઝનમાં પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે.
Also read: પાકિસ્તાનની દીકરી બની ભારતની પુત્રવધુ
બીજા દાવમાં પાકિસ્તાન તરફથી બેટ્સમેન સઈદ શકીલ 13, કાશિફ અલી 01, મોહમ્મદ રિઝવાન 25, સલમાન અલી આગા 15 રન કરી આઉટ થયા હતા. વેસ્ટ ઈન્ડિઝે બીજી ટેસ્ટના પહેલા દિવસે પહેલી ઇનિંગમાં 38 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ટીમે જોરદાર વાપસી કરી અને મેચ જીતવામાં સફળ રહી હતી. નીચલા ક્રમના બેટ્સમેનોના ઉત્તમ પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઇનિંગમાં 163 રન કરી શક્યું અને પછી પાકિસ્તાનને 157 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝે બીજા દાવમાં 244 રન કર્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 254 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.