ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન, ઇન્ટરનેટ ઠપ… આખરે મામલો શું છે?

કરાચી: અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર દાઉદને ઝેર અપાયું હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યાં છે કે આખા પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ડાઉન છે. જેને કારણે નેટીઝન્સ હેરાન થઇ ગયા છે. સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) અધ્યક્ષ ઇમરાન ખાનની વર્ચ્યુઅલ રેલી હતી. ત્યારે વાતાવરણ ખરાબ ના થાય તે માટે રેલી પહેલાં જ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જોકે કેટલાંક લોકો સરકારના આ નિર્ણયને દાઉદ ઇબ્રાહિમ સાથે જોડી રહ્યાં છે.

લોકોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર રવિવારથી જ દાઉદને લઇને ઘણી અફવાઓ ચાલી રહી હતી. આ ઘટના સંવેદનશીલ હોવાને કારણે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઇ જાણકારી મળી નથી.


હાલમાં આખા પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરી ન શકવાથી હેરાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનની રવિવારે રાત્રે 9 વાગે વર્ચ્યુઅલ રેલી શરુ થવાની હતી. પણ ઇન્ટરનેટ સ્લોડાઉન હોવાથી રેલીને સ્ટ્રીમ કરવામાં ઘણી તકલીફ થઇ હતી.

પાકિસ્તાનના એક અખબાર મુજબ યુઝર્સે રાત્રે 8 વાગ્યા પછી લાહોર, કરાચી અને ઇસ્લામાબાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સુધી પહોંચવામાં તકલીફ થઇ રહી છે તેવી સૂચના આપી હતી. યુઝર્સે ઇન્ટરનેટ સેવા સ્લો હોવાની પણ ફરિયાદ કરી હતી. પીટીઆઇના નેતા તૈમૂર ઝાગરાએ પણ ઓનલાઇન રેલીમાં ઇન્ટરનેટના ઇશ્યૂ પર પ્રશ્ન ઊભો કર્યો હતો. પીટીઆઇએ આને અપેક્ષીત પગલું ગણાવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button