પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રોકેટ વિસ્ફોટ, ત્રણ બાળકોના મોત

કરાચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રોકેટ વિસ્ફોટ થયો છે. જેમાં ત્રણ બાળકોના મોત થયા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત ત્યારે સર્જાયો હતો જયારે કાંધકોટ શહેર નજીક બાળકો ખેતરમાં મળેલા રોકેટથી રમી રહ્યા હતા. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સૈયદ અસગર અલી શાહે જણાવ્યું હતું કે બાળકો રોકેટ સાથે રમી રહ્યા હતા ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. આ અંગે ગામલોકોએ જાણ કરી હતી. આ બાળકો એક જ જાતિના હતા અને ખેતરમાં રમી રહ્યા હતા.
ખૈબર પખ્તુનખ્વામાં મોર્ટાર શેલ ફાટ્યો હતો
આ દુર્ઘટના બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા રોકેટના ટુકડાઓની તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં આવી અનેક ઘટનાઓ ઘટી છે. જેમાં હાલમાં જ ખૈબર પખ્તુનખ્વામાં બાળકોએ ભૂલથી બોમ્બને રમકડું સમજીને ઉપાડી લીધો હતો. જેનો વિસ્ફોટ થયો હતો જેમાં પણ ત્રણ બાળકોના મોત થયા હતા. આ ઘટના બન્નુના વઝીર સબડિવિઝનના જાની ખેલ વિસ્તારમાં બની હતી. બાળકો મદરેસાથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોર્ટાર શેલ ફાટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સોવિયેત સેનાએ વર્ષ 1980ના દાયકામાં પાકિસ્તાનના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ઉપયોગ કરવા માટે મોર્ટાર શેલ ફેંક્યા હતા. આ મોર્ટાર શેલ રમકડાં જેવા લાગે છે. હવે ઘણી વખત બાળકો આ મોર્ટાર શેલને રમકડાં સમજીને ઉપાડી લે છે. જેના કારણે તેઓ પોતાનો જીવ ગુમાવે છે.



