ઇન્ટરનેશનલ

બલુચિસ્તાન ‘ટ્રેન હાઈજેક પ્રકરણ’માં મૃત્યુ આંક વધ્યો, સરકારે મોકલી 200થી વધુ શબપેટી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ ગઈ કાલે દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી હતી. બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકની ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોતની આશંકા છે. કારણ કે પાકિસ્તાન સરકારે બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં 200 થી વધુ શબપેટીઓ મોકલી હોવાનો મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જેયુઆઇ(એફ)ના બે નેતાની હત્યા…

200 થી વધુ શબપેટીઓ મોકલી

મીડિયા અહેવાલ બાદ આ મુદ્દે ખૂબ ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે આ અહેવાલની પાકિસ્તાન રેલ્વે અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે 200 થી વધુ શબપેટીઓ બલુચિસ્તાનનાં ક્વેટામાં મોકલવામાં આવી છે. ટ્રેન હાઈજેકની ઘટનાને 28 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાંઅને હજુ સુધી પાકિસ્તાન સેના તમામ બંધકોને છોડાવી શકી નથી. જોકે, પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે આ શબપેટીઓ પ્રોટોકોલ હેઠળ મોકલવામાં આવી છે જેથી ખરાબ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય.

BLAના 27 લોકોને ઠાર મરાયા

પાકિસ્તાની મીડિયાનાં અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 155 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરીમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) ના 27 લોકોને ઠાર માર્યા ગયા છે. જોકે જાફર એક્સપ્રેસમાં સવાર 100 થી વધુ મુસાફરોને હજુ પણ બચાવી શકાયા નથી. તાજેતરનાં નિવેદનમાં BLAએ 30 પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયાનો દાવો કર્યો હતો.

ભારત પર કર્યો આક્ષેપ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ટ્રેન હાઇજેક પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે. પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા રાણા સનાઉલ્લાહે કહ્યું, “ભારત આ હુમલાનું હેન્ડલિંગ અફઘાનિસ્તાનની અંદરથી કરી રહ્યું છે. ભારત આ બધું કરી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી. બલૂચ બળવાખોરોને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવે છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button