પાકિસ્તાનની સુરક્ષા સમિતિની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા, શાહબાઝ શરીફે કહ્યું પાણી બંધ કરવું એ યુદ્ધ જેવું ગણાશે

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણા મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. ભારત દ્વારા આ કડક નિર્ણયોની જાહેરાત પછી, પાકિસ્તાન સરકારે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ત્રણેય સેનાના વડાઓએ પણ હાજરી આપી હતી.
ભારત પાણી રોકે છે તો યુદ્ધ જેવું જ ગણવામાં આવશે
આ બેઠક બાદ પાકિસ્તાને અનેક નિર્ણયો લીધા. જેમાં અટારી બોર્ડર બંધ કરવાની ભારતની જાહેરાતના જવાબમાં પાકિસ્તાને પણ વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત કરી. જ્યારે ભારતે પાકિસ્તાનને દેશ છોડવાની સલાહ આપી હતી, ત્યારે પાકિસ્તાને પણ દેશમાં હાજર તમામ ભારતીયોને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. પાકિસ્તાને કહ્યું કે જો ભારત પાણી રોકે છે તો તેને યુદ્ધ જેવું જ ગણવામાં આવશે.
આ પણ વાંચો: પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક, ફેનકોડે ભારતમાં પીએસએલનું પ્રસારણ બંધ કર્યું
પાકિસ્તાને ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારો તાત્કાલિક અસરથી રદ કર્યા છે. પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે. પાકિસ્તાને તમામ ભારતીયોને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ જાહેર કર્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તે 24 કરોડ પાકિસ્તાનીઓ માટે જીવનરેખા છે. ગભરાયેલા પાકિસ્તાને ભારત પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. ભારતની કાર્યવાહીથી ડરીને પાકિસ્તાને કહ્યું કે પહેલગામ હુમલામાં તેની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાનના પીએમઓ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના નિર્ણયથી રાજકીય તણાવ વધશે અને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવામાં અવરોધ આવશે.
આ પણ વાંચો: દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં મંગાવાઇ કેક, અનેક સવાલો વચ્ચે વિડીયો વાયરલ
એકપક્ષીય સ્થગિત કરવાની જોગવાઈ નથી
પાકિસ્તાને કહ્યું કે સિંધુ જળ સંધિ વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરાયેલી આંતરરાષ્ટ્રીય સંધિ છે અને તેમાં એકપક્ષીય સ્થગિત કરવાની જોગવાઈ નથી. સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અંગે પાકિસ્તાને કહ્યું કે તે તેના 24 કરોડ લોકોની જીવનરેખા છે અને તેની ઉપલબ્ધતાને દરેક કિંમતે સુરક્ષિત રાખવામાં આવશે.
પાકિસ્તાને ભારત સાથેના તમામ વેપાર પર પ્રતિબંધ મૂક્યો
પાકિસ્તાને કહ્યું છે કે તે આતંકવાદની સ્પષ્ટ નિંદા કરે છે. પાકિસ્તાને ભારત સાથેના તમામ વેપાર પર પ્રતિબંધ મૂક્યોછે. જેમાં ત્રીજા દેશો દ્વારા થતા વેપારનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષા સામેના કોઈપણ ખતરોનો દરેક રીતે સખત જવાબ આપવામાં આવશે.