ઇન્ટરનેશનલ

‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાન છે બીજા નંબરે તો પહેલા ક્રમે ક્યો દેશ છે?

લાહોરઃ વર્લ્ડ ટેરેરિઝમ ઈન્ડેક્સ (જીટીઆઈ) 2025ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદ વધી રહ્યો છે. પાકિસ્તાન 2024માં વિશ્વનો બીજો સૌથી આતંકવાદ પ્રભાવિત દેશ હતો. રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં આતંકવાદથી થતાં મોતમાં 45 ટકાનો વધારો થયો છે. 2023માં 748 મૃત્યુની તુલનામાં 2024માં આંકડો વધીને 1081 પર પહોંચ્યો હતો.

Also read : પાકિસ્તાનમાં બે બોમ્બ વિસ્ફોટમાં બારનાં મોતઃ ૩૦ ઘાયલ

આ દેશ છે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત
આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં પશ્ચિમ આફિકાનો બુર્કિના ફાસો પ્રથમ ક્રમે છે. ત્રીજા ક્રમે સીરિયા, ચોથા ક્રમે માલી છે. આ પછી નાઇઝીરિયા, સોમાલિયા, ઇઝરાયલ, અફઘાનિસ્તાન અને કેમરુન આવે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અનુસાર બુર્કિના ફાસોની કુલ વસ્તી 2.25 કરોડ છે. જેમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે. 2019ની વસ્તી ગણતરી અનુસાર બુર્કિના ફાસોનાની 60 ટકાછી વધુ વસ્તી મુસ્લિમ છે. આ ઉપરાંત ઈસાઈ ધર્મના લોકો પણ રહે છે.

પાકિસ્તાનમાં આતંકી હુમલાની સંખ્યા વધી
આ પહેલા લિસ્ટમાં પાકિસ્તાન ચોથા ક્રમે હતું. પાકિસ્તાનમાં આતંકી હુમલાની સંખ્યા પણ વર્ષ 2023માં 517થી વધીને 2024માં 1099 થઈ હતી. આ સંખ્યા પ્રથમ વખત 1000ને પાર પહોંચી હતી. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે, પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અને અન્ય આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનનો ઉપયોગ પાકિસ્તાનમાં હુમલા કરવા માટે કરતા હોવાનો દાવો કરે છે. પાકિસ્તાનમાં આતંકવાદમાં વધારો અને અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તામાં આવવા વચ્ચે મહત્ત્વપૂર્ણ સંબંધ છે.

આ સંગઠન હુમલા માટે સૌથી વધુ જવાબદાર
આ ઉપરાંત રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી જૂથોએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર હુમલા વધાર્યા છે. ટીટીપી દેશમાં સૌથી ઘાતક આતંકવાદી સંગઠન છે. જે આંતકવાદ સંબંધિત તમામ મોતમાં 52 ટકા માટે જવાબદાર છે. પ્રતિબંધિત સંગઠન ટીટીપીએ વર્ષ 2024માં કુલ 482 હુમલા કર્યા હતા, જેમાં 558 લોકોના મૃત્યુ થયા હતા.

હુમલાની યોજનાઓને આપી છે ખુલ્લી છૂટ
ટીટીપીના હુમલાની સંખ્યા બમણી થઈ છે અને મોતમાં 90 ટકાનો વધારો થયો છે. અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં તાલિબાન 2021માં સત્તામાં આવ્યું ત્યારથી ટીટીપીને વધારે સ્વતંત્રતા અને સરહદ પર સુરક્ષિત આશ્રયસ્થાનો મળ્યા છે. જેના કારણે હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવાની ખુલ્લી છૂટ મળી છે.

પાકિસ્તાનના આ વિસ્તાર આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત
પાકિસ્તાનમાં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખાં છે. આ બંને વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદ નજીક આવેલા છે. વર્ષ 2024માં પાકિસ્તાનમાં 96 ટકાથી વધારે આતંકી હુમલા અને મોત પણ અહીં જ નોંધાયા હતા. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા વર્ષ 2024માં કરવામાં આવેલા સૌથી ઘાતક આતંકી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ હુમલામાં ક્વેટા રેલવે સ્ટેશન પર આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછી 25 નાગરિકો અને સૈનિકોના મૃત્યુ થયા હતા.

Also read : પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં TTP ના 6 આતંકવાદી ઠાર; 7 બાળકો સહિત 12 લોકોના મોત…

બલુચિસ્તાન લિબરેશન આર્મી તથા અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. આ સંગઠનોના હુમલા વર્ષ 2023માં 116થી વધીને 2024માં 504 થયા છે. આ હુમલાથી થતાં મોતની સંખ્યા 2023માં 88 હતી, જે ચાર ગણી વધીને 388 થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button