પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકામાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો
વોશિંગ્ટન: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. આ બેઠકોમાં પણ આસિમ મુનીર સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પાક આર્મી ચીફે અમેરિકન અધિકારીઓ સમક્ષ દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સ્થિરતાને અસર કરતા ક્ષેત્રીય સુરક્ષા મુદ્દાઓ રજૂ કર્યા. તેમણે ખાસ કરીને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએનએસસીના સંબંધિત ઠરાવો અનુસાર ઉકેલવા પર ભાર મૂક્યો હતો. મુનીરે ભારપૂર્વક કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં શાંતિ માટે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો જરૂરી છે.
મુનીરે પોતાનો અમેરિકા પ્રવાસ એવા સમયે શરૂ કર્યો છે. જ્યારે ભારતીય સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયને યથાવત રાખવાનો ચુકાદો આપ્યો છે. પાકિસ્તાને આ નિર્ણય પર ખૂબ જ આકરી પ્રતિક્રિયા પણ આપી છે.
પાક આર્મી ચીફે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન, ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન, જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ચાર્લ્સ બ્રાઉન સહિત ઘણા મહત્વપૂર્ણ અમેરિકન અધિકારીઓ સાથે વાત કરી છે. પાકિસ્તાન અત્યારે કોઇ પણ સંજોગોમાં અમેરિકા સાથે પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનું મુખ્ય કારણ તે પણ છે કે પાકિસ્તાન આર્થિક સંકટથી ઘેરાયેલું છે.
તહેરીક એ તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી અને તેની સાથે જોડાયેલા સંગઠનોએ પાકિસ્તાનમાં વારંવાર હુમલા કર્યા છે. આ સંગઠન સતત પાકિસ્તાની સેનાના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને ટીટીપી વિરુદ્ધ કાર્યવાહીને લઈને અફઘાન તાલિબાન પર પણ દબાણ કર્યો હતો. પરંતુ કોઇ ફરક ના પડતા જનરલ મુનીર ટીટીપી વિરુદ્ધ અભિયાનમાં અમેરિકા પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે.