ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ મુશ્કેલીમાં: ધરપકડ વોરંટ જારી કરાયું

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના રાજકારણમાં અત્યારે ભારે હલચલ મચી ગઈ છે. સામાન્ય રીતે કોઈ દેશના વડા પ્રધાન વિરુદ્ધ તેમના જ દેશમાં કે અન્ય સંસ્થાઓ દ્વારા કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ બલુચિસ્તાનની ‘નિર્વાસિત સરકાર’ (Government in Exile) દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પાકિસ્તાનની આંતરિક સુરક્ષા અને બલુચિસ્તાન મુક્તિ આંદોલનની ઉગ્રતા ફરી એકવાર વિશ્વના મંચ પર ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ ધરપકડ વોરંટ જારી કરવા પાછળનું કારણ અત્યંત ચોંકાવનારું છે. બલુચિસ્તાનની નિર્વાસિત સરકારનો આરોપ છે કે શાહબાઝ શરીફે બલુચિસ્તાનના વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બલૂચિસ્તાન રિપબ્લિકના નેતા મીર યાર બલોચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના વડા પ્રધાને બલુચિસ્તાનની સંપ્રભુતાને જાણીજોઈને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે અને તેના કારણે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

8 જાન્યુઆરી 2026ના જાહેર કરેલા આદેશમાં જણાવાયું છે કે શાહબાઝ શરીફે માન્ય વિઝા વગર બલુચિસ્તાનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે. મીર યાર બલોચે વધુમાં લખ્યું છે કે બલૂચિસ્તાન રિપબ્લિકના કાયદા અને સંપ્રભુતા અધિકારો મુજબ, શહેબાઝ શરીફની ધરપકડ બલૂચિસ્તાનના કોઈપણ એરપોર્ટ પર તેમના આગમન સમયે અથવા ત્યાંથી પ્રસ્થાન કરતી વખતે કરી શકાય છે. આ જાહેરાત બાદ પાકિસ્તાન સરકાર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

આ ઘટના પાકિસ્તાનમાં ચાલી રહેલા લાંબા સમયના બલુચિસ્તાન વિવાદને વધુ તીવ્ર બનાવે છે. બલૂચિસ્તાનના સંગઠનો લાંબા સમયથી પાકિસ્તાનથી આઝાદીની માંગ કરી રહ્યા છે અને પોતાની અલગ સરકાર હોવાનો દાવો કરે છે. પાકિસ્તાન સરકાર આ જૂથોને ગેરકાયદેસર ગણાવે છે, પરંતુ આ પ્રકારના વોરંટથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની નબળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છતી થાય છે. વડા પ્રધાન વિરુદ્ધ આવું વોરંટ આવવું એ પાકિસ્તાની શાસનતંત્ર માટે મોટો ફટકો માનવામાં આવે છે.

આ પણ વાંચો…પાકિસ્તાનની ફજેતીઃ પુતિને શાહબાઝ શરીફને 40 મિનિટ રાહ જોવડાવી, વીડિયો વાયરલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button