પાકિસ્તાનના PM અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે મુલાકાત, કાશ્મીર મુદ્દે થઇ ચર્ચા
મક્કા: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ(Shahbaz Sharif) સાઉદી અરેબિયાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન શેહબાઝ શરીફ અને સાઉદીના શાસક પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન(Mohammed bin Salman) વચ્ચે મક્કા(Mecca)ના અલ-સફા પેલેસમાં સત્તાવાર બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે કાશ્મીર મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના કાશ્મીર સહીત અન્ય પેન્ડીંગ મુદ્દાઓ ઉકેલવા માટે વાતચીતના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.
શહેબાઝ શરીફ અને પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચેની બેઠક પછી સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. બંનેએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના ભાઈચારાના સંબંધોને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત સહયોગ માટેના માર્ગો શોધવા પર પણ ભાર મૂક્યો હતો. સંયુક્ત નિવેદન મુજબ બંને નેતાઓએ કાશ્મીર સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું, “બંને પક્ષોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના પેન્ડીંગ મુદ્દાઓ ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર વિવાદના ઉકેલ માટે વાતચીતના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત થાય.”
ભારતે કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો ગણાવ્યો છે, ભારતે કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષ દ્વારા મધ્યસ્થી અથવા હસ્તક્ષેપની સ્વીકાર્યો નથી.
5 ઓગસ્ટ, 2019 ના રોજ ભારત સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ બગડ્યા છે.
ભારતે હંમેશા કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર દેશનો અભિન્ન અંગ હતું, છે અને કાયમ રહેશે. અમે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી જેવા સંબંધો ઈચ્છીએ છીએ.