પાકિસ્તાને ખોલી ટ્રમ્પની પોલ: યુદ્ધવિરામ મુદ્દે વિદેશ પ્રધાને કહ્યું, ભારતે ત્રીજા પક્ષની ભૂમિકાનો ઇનકાર કર્યો હતો…

ઇસ્લામાબાદ: શાંતિનો નોબલ પ્રાઈઝ મેળવવાની ઘેલછા ધરાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ગમે તેટલા દેશના યુદ્ધમાં સીઝફાયર કરાવવા પહોંચી જાય છે. ભારતે પાકિસ્તાન સામે આદરેલ ઓપરેશન સિંદૂર સ્થગિત કર્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ અનેક વખત ડૉનાલ્ડ ટ્રમ્પ આવો દાવો કરતા આવ્યા છે. આ દાવાઓ મુદ્દે ભારતે પણ રોકડું પરખાવ્યું હતું, પરંતુ અમેરિકાના ખોળામાં બેઠેલા પાકિસ્તાને પણ યુદ્ધવિરામના દાવા અંગેની પોલ ખોલી નાખી છે, જેનાથી ટ્રમ્પ નારાજ થાય તો નવાઈ નહીં.
ભારતે ત્રીજા પક્ષની ભૂમિકા નકારી
પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે સ્વીકાર્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધવિરામનો પ્રસ્તાવ અમેરિકાના માધ્યમથી આવ્યો હતો. પરંતુ ભારતે તેના માટે સંમત થયું નહોતું. આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, એક કાર્યક્રમ દરમિયાન ઇશાક ડારે જણાવ્યું કે, “પાકિસ્તાને ભારત સાથે વાતચીત કરવાની ઘણી પહેલ કરી હતી. દસમી મેના સવારે 8:17 વાગ્યે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ અમને જણાવ્યું હતું કે, જલ્દી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સ્વતંત્ર સ્થળે વાટાઘાટો થશે. પરંતુ ત્યાર બાદ 25 જુલાઈના રોજ જ્યારે વોશિંગટનની મુલાકાત દરમિયાન રુબિયોએ મને કહ્યું કે, ભારત તેને માત્ર દ્વિપક્ષીય મામલો ગણાવીને ત્રીજા કોઈ પણ પક્ષની ભૂમિકાનો ઇન્કાર કર્યો છે.”
દ્વિપક્ષીય વાતચીત સાથે કોઈ વાંધો નથી
ઇશાક ડારે દ્વિપક્ષીય વાતચીત અંગે જણાવ્યું કે, “અમે ત્રીજા પક્ષની ભાગીદારીથી ખચકાતા નથી, પરંતુ ભારત વારંવાર કહી રહ્યું છે કે, આ દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે યુદ્ધવિરામનો પ્રસ્તાવ રુબિયો દ્વારા આવ્યો હતો, ત્યારે અમને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે, ભારત સાથે વાતચીત થશે. પરંતુ ત્યારબાદ કહેવામાં આવ્યું કે, ભારતે ના પાડી દીધી છે. અમને દ્વિપક્ષીય વાતચીત સાથે કોઈ વાંધો નથી. પરંતુ વાતચીત વ્યાપક હોવી જોઈએ. જેમાં આતંકવાદ, વેપાર, અર્થવ્યવસ્થા, જમ્મુ-કશ્મીર જેવી તમામ વિષયો અંગે વાતચીત થવી જોઈએ. જેના પર અમે બંને ચર્ચા કરી રહ્યા છીએ.”
અમે કોઈ ભીખ નથી માંગી રહ્યા
પાકિસ્તાની વિદેશ પ્રધાન ઇશાક ડારે વધુમાં જણાવ્યું કે, “અમે કોઈ વસ્તુની ભીખ નથી માંગી રહ્યા. જો કોઈ દેશ વાતચીત કરવા ઈચ્છે છે, તો અમે ખુશ છીએ. અમે સ્વાગત કરીએ છીએ. અમે એક શાંતિપ્રિય દેશ છીએ. અમારૂં માનવું છે કે, વાતચીત જ આગળ વધવાનો રસ્તો છે, પરંતુ સ્વભાવિક છે કે, વાતચીત માટે બે જણની ઈચ્છા હોવી જરૂરી છે. તેથી જ્યાં સુધી ભારત વાતચીત કરવા નહીં માંગે, ત્યાં સુધી એવું થશે નહીં.”
આ પણ વાંચો…પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે ઔકાત બતાવી, સૂર્યકુમાર માટે અપશબ્દો વાપર્યા