ઇન્ટરનેશનલ

..તો પાકિસ્તાન 4 ટુકડામાં થઈ શકે વિભાજિતઃ મૌલાના ફઝલુર રહેમાનની સેનેટમાં ચેતવણી

વધતા આતંકવાદી હુમલા અને બલુચિસ્તાનના તમામ આતંકવાદી સંગઠનો એક થયાનો દાવો

ઇસ્લામાબાદઃ બલુચિસ્તાનના ૬-૭ જિલ્લાઓ સંપૂર્ણપણે આતંકવાદીઓના કબજામાં છે. આ વિસ્તારો પર પાકિસ્તાન સરકાર અને સેનાનું કોઇ નિયંત્રણ નથી. આ પરિસ્થિતિ પાકિસ્તાન માટે એક મોટો પડકાર બની ગઇ છે. આ બધું પાકિસ્તાન માટે આશ્ચર્યજનક નથી અને દેશ પતનની આરે હોવાનું ગંભીર નિવેદન મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનની સેનેટમાં આપ્યું હતું.

બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પરંતુ સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. જ્યાં લાંબા સમયથી હિંસક વિદ્રોહ ચાલું છે. મૌલાના ફઝલુર રહેમાને આ બળવાની ગંભીરતા પર પ્રકાશ પાડતા કહ્યું કે સિંધ અને બલુચિસ્તાનના તમામ આતંકવાદી સંગઠનો એક થઇ ગયા છે. આ સંગઠનો હવે પાકિસ્તાન સરકાર અને સેનાના સાર્વભૌમત્વને પડકાર ફેંકી રહ્યા છે. મૌલાનાએ ચેતવણી આપતા કહ્યું કે જો આ જ સ્થિતિ રહી તો પાકિસ્તાન ચાર ટુકડામાં વિભાજીત થઇ શકે છે.

મૌલાના ફઝલુર રહેમાનનું નિવેદન એ વાતનો સંકેત છે કે પાકિસ્તાન આંતરિક પતનની આરે છે. સતત વધી રહેલા આતંકવાદી હુમલાઓ અને બળવાખોરીને કારણે પાકિસ્તાનની આંતરિક સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. ખાસ કરીને બલુચિસ્તાન અને સિંધમાં આતંકવાદની વધતી જતી ઘટનાઓ દર્શાવે છે કે દેશને મોટા પાયે વિભાજનનો ખતરો છે.

બલુચિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિઓમાં વધારો અને પાકિસ્તાન સરકારની નબળી પડી રહેલી પકડથી મૌલાના ફઝલુર રહેમાન જેવા અગ્રણી નેતાઓ પણ ચિંતિત છે. આ વર્તમાન પરિસ્થિતિએ પાકિસ્તાન માટે ગંભીર આંતરિક પડકારો ઉભા કર્યા છે. જો આ પડકારોનો સમયસર ઉકેલ લાવવામાં નહીં આવે તો પાકિસ્તાનના ભાગલા પડવાની શક્યતા પ્રબળ બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button