ઇન્ટરનેશનલ

નવાઝ શરીફના જમાઈએ ભારતને આપી પરમાણુ બોમ્બની ધમકી

ઇસ્લામાબાદઃ ઇઝરાયલ-હમાસના સંઘર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. અમેરિકા, યુકે, ભારત, ફ્રાન્સ, જર્મની જેવા દેશો ઇઝરાયલને સાથ આપી રહ્યા છે તો રશિયા અને મુસ્લિમ દેશો હમાસનું સમર્થન કરી રહ્યા છે. હવે આ મુદ્દે પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા કેપ્ટન સફદરે એક રેલીને સંબોધતા ખુલ્લેઆમ ભારત અને ઈઝરાયલ વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને મુસ્લિમોને ગઝવા-એ-હિંદ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સફદરે ઈઝરાયલ અને ભારતને પરમાણુ બોમ્બની ધમકી પણ આપી છે.

કેપ્ટન સફદરે પેશાવરમાં આયોજિત પેલેસ્ટાઈન તરફી રેલીમાં આ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. પોતાના સંબોધન દરમિયાન સફદરે કહ્યું કે જો મુસ્લિમો જેહાદ નહીં કરે તો તેમને અપમાનનો સામનો કરવો પડશે. મુસ્લિમોએ આગળ વધીને જેહાદ કરવી જ પડશે.

પેલેસ્ટાઇન તરફી રેલીને સંબોધતા સફદરે આગળ કહ્યું હતું કે પેલેસ્ટાઈનમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે, ગાઝામાં બાળકો અને મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમની કત્લેઆમ કરવામાં આવી રહી છે.

આજે પેલેસ્ટાઈનના લોકો તમારી તરફ જોઈ રહ્યા છે. એમને તમારા સાથની જરૂરત છે. ગાઝાના મુસ્લિમોને કહો કે અમે તમારી સાથે છીએ. સફદરે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બ તેમના એકલાના નહીં પણ બધા મુસ્લિમોના છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કટ્ટરપંથી પક્ષ જમિયત-એ-ઉલામા ઈસ્લામ દ્વારા ગાઝા પર ઈઝરાયલના હુમલાના વિરોધમાં અને પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદર સંબોધિત કરી રહ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફરી રહ્યા છે, આ પહેલા તેમની પાર્ટીએ તેમના સ્વાગત માટે જોરદાર તૈયારી શરૂ કરી છે અને દેશભરમાં રેલીઓનો રાઉન્ડ શરૂ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button