ઇન્ટરનેશનલનેશનલ

UNSCમાં પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીરનો રાગ

ભારતે કહ્યું- અમે આ મુદ્દા પર ન તો ધ્યાન આપીશું અને ન તો જવાબ આપીશું

યુએનની ઈઝરાયલ-ગાઝાની સ્થિતિ પર જ્યારે હાલમાં બેઠક થઇ ત્યારે પાકિસ્તાને ફરી એક વાર કાશ્મીરનો રાગ આલાપવાનું શરૂ કરી દીધું હતું. ભારતે પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે તે આ બાબતને કોઈ મહત્વ નહીં આપે અને ન તો કોઈ જવાબ આપશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્રએ મંગળવારે આ નિવેદન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સુરક્ષા પરિષદની બેઠકમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. રવિન્દ્રએ કહ્યું, “એક દેશના પ્રતિનિધિએ આદતથી મજબૂર થઇને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે જે અમારા દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે.” તેમણે કહ્યું હતું કે, “હું આ ટિપ્પણીઓને એટલું જ મહત્વ આપીશ કે જેટલું તેમને આપવું જોઈએ અને સમયને ધ્યાનમાં રાખીને તેનો જવાબ નહીં આપીશ.”

આ પહેલા અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું હતું કે તમામ આતંકવાદી કૃત્યો ગેરકાયદેસર અને ગેરવાજબી છે, પછી ભલે તે લશ્કર-એ-તૈયબા દ્વારા મુંબઈમાં લોકોને નિશાન બનાવતા હોય કે હમાસ દ્વારા કિબુત્ઝ બેરીમાં લોકોને નિશાન બનાવતા હોય. દરેક રાષ્ટ્રને આવા આતંકવાદી હુમલા સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે અને આપણે તેમને એ અધિકારની અને આવી ભયાનકતાઓને પુનરાવર્તિત થવાથી અટકાવવાના અધિકારની ખાતરી આપવી જોઇએ. આ કાઉન્સિલનો કોઈ સભ્ય, કે આ સંસ્થાનું કોઈ રાષ્ટ્ર તેના પોતાના લોકોની હત્યાને સહન કરશે નહી.

તેમણે જણાવ્યું હતું કે આ કાઉન્સિલ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વારંવાર કહ્યું છે કે, આતંકવાદના તમામ કૃત્યો ગેરકાનૂની અને ગેરવાજબી છે. પછી ભલેને નૈરોબી કે બાલીમાં લોકોને નિશાન બનાવવામાં આવે… પછી ભલે આ હુમલાઓ ઈસ્તાંબુલમાં થયા હોય કે મુંબઈ, ન્યુયોર્ક કે કિબુટ્ઝ બેરીમાં થયા હોય, કે પછી તે ISIS કે બોકો હરામ, અલ શબાબ, લશ્કર-એ-તૈયબા અથવા હમાસ દ્વારા કરવામાં આવ્યા હોય. આ બધા જ હુમલા ગેરવાજબી છે”

બ્લિંકને તેમની ટિપ્પણીમાં પાકિસ્તાન પર 26 નવેમ્બર 2008માં મુંબઈમાં લશ્કર-એ-તૈયબા સંગઠન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ મૂક્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button