ઇન્ટરનેશનલ

પાકિસ્તાન છુપી રીતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે; ટ્રમ્પના દાવાથી ખળભળાટ

વોશિંગ્ટન ડીસી: છેલ્લા કેટલાક દિવસોથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરમાણુ શસ્ત્રોમાં પરીક્ષણ અંગે સતત નિવેદનો આપી રહ્યા છે, તેમણે યુએસ ડિફેન્સ ડીપાર્ટમેન્ટને ન્યુક્લિયર ટેસ્ટ હાથ ધરવા માટે સુચના આપી છે. એવામાં તેમણે એક મોટો દાવો કર્યો છે કે પાકિસ્તાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે

એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે રશિયા, ચીન અને ઉત્તર કોરિયા સહિત અન્ય પરમાણુ શક્તિઓના જોખમ સામે યુનાઇટેડ સ્ટેટ્સ પોતાના પરમાણુ શાસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરશે.

પાકિસ્તાન પર મોટો આરોપ:

એક અમેરિકન ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે યુએસએ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ નથી કર્યું, ત્યારે પાકિસ્તાન સહિત ઘણા દેશો વૈશ્વની નજરથી દૂર રહીને ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું “અમે એટલા માટે પરીક્ષણ કરીશું કેમ કે તેઓ પરીક્ષણ કરી રહ્યા છે. ઉત્તર કોરિયા ચોક્કસપણે પરીક્ષણ કરી રહ્યું છે. પાકિસ્તાન પરીક્ષણ કરી રહ્યું છે. તેઓ પરીક્ષણ વિષે જાહેરમાં જણાવતા નથી, તેઓ ભૂગર્ભમાં પરીક્ષણ કરે છે, જ્યાં લોકોને ખબર નથી હોતી કે શું થઈ રહ્યું છે. જમીનમાં માત્ર ફક્ત થોડી ધ્રુજારી અનુભવાય છે.”

ટ્રમ્પે કહ્યું કે રશિયા અને ચીન પણ ગુપ્ત રીતે પરમાણું શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યા છે. તેમની પાસે એવા પત્રકારો નથી જે આ પરીક્ષણો વિશે લખે.

ટ્રમ્પની આ ટિપ્પણી એટલા માટે મહત્વની છે, કેમ કે કોઈ વર્તમાન યુએસ રાષ્ટ્રપતિએ પહેલીવાર પાકિસ્તાન પર પરમાણુ પરીક્ષણ કરવાનો સીધો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો…પરમાણુ યુદ્ધનું જોખમ! ટ્રમ્પે તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ હાથ ધરવાનો આદેશ આપ્યો

સંબંધિત લેખો

Back to top button