20 દિવસ પાકિસ્તાનની કસ્ટડી રહ્યા બાદ BSF જવાન ભારત પરત ફર્યો

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા બાદ તણાવ વધુ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં પાકિસ્તાને 23 એપ્રિલના રોજ કસ્ટડીમાં લીધેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાન પૂર્ણમ કુમારને ભારતને પરત સોંપ્યો છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું, “આજે BSF જવાન પૂર્ણમ કુમાર શો, જે 23 એપ્રિલ 2025 થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતા, તેમને લગભગ 10.30 વાગ્યે અમૃતસરની સંયુક્ત ચેક પોસ્ટ અટારી પરથી ભારતને સોંપવામાં આવ્યા છે. આ સોંપણી શાંતિપૂર્ણ રીતે અને પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી,”
તણાવને કારણે વિલંબ થયો:
નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ આતંકવાદી હુમલાને કારણે સરહદ પર તણાવ વધી ગયો હતો. એવામાં 23 એપ્રિલના રોજ પંજાબના ફિરોઝપુરમાં તૈનાત 40 વર્ષીય BSF જવાન પૂર્ણમ કુમાર અજાણતા સરહદ પાર કરી ગયો હતો. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બોર્ડર પર તણાવને કારણે તેના પરત લાવવામાં વિલંબ થયો હતો.
આ મામલે BSFએ પાકિસ્તાની રેન્જર્સ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. BSFએ આ મામલે પાકિસ્તાની રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ અને અન્ય માધ્યમો દ્વારા સતત સંપર્કમાં હતું.
આપણ વાંચો: ટ્રમ્પે ફરી જમાદાર બનવાનો પ્રયાસ કર્યો; ભારત અને પાકિસ્તાનને સાથે ડીનર કરવા કહ્યું
પૂર્ણમ કુમાર શો પશ્ચિમ બંગાળના હુગલીના રિશ્રાનો રહેવાસી છે. જ્યારે પૂર્ણમ કુમાર પાકિસ્તાની રેન્જર્સની કસ્ટડીમાં હતો, ત્યારે તેની પત્ની રજની પઠાણકોટ અને ફિરોઝપુરમાં બીએસએફ કમાન્ડરોને મળી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલા BSF જવાન પૂર્ણમ કુમારની પત્ની રજની સાથે વાત કરી હતી. રજનીએ જણાવ્યું કે યુદ્ધવિરામ પછી તેની આશા મજબુત થઇ છે કે તેનો પતિ સુરક્ષિત રીતે પાછો ફરશે.