ઇન્ટરનેશનલ

હમાસ ચીફને મળ્યા પાકિસ્તાની નેતા

કાશ્મીરની પેલેસ્ટાઈન સાથે સરખામણી કરી દુખડુ રોયા

પાકિસ્તાન ઈઝરાયેલ વિરુદ્ધ આતંકી સંગઠન હમાસના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યું છે. પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાનના જમાત-એ-ઉલેમા-એ-ઈસ્લામી ચીફ ફઝલુર રહેમાન કતારમાં હમાસ ચીફ ઈસ્માઈલ હનીયેને મળ્યા હતા. રહેમાન હમાસના ભૂતપૂર્વ વડા ખાલેદ મેશાલને પણ મળ્યા હતા. આ દરમિયાન ફઝલુર રહેમાને કાશ્મીરની તુલના પેલેસ્ટાઈન સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ માટે પશ્ચિમી દેશો જવાબદાર છે. માનવાધિકારની વાતો કરનારા દેશો ઈઝરાયલને હથિયારો સપ્લાય કરી રહ્યા છે. આ માનવાધિકાર કાર્યકર્તાઓની પેલેસ્ટાઈન અને કાશ્મીરમાં કસોટી છે.

રહેમાને કહ્યું હતું કે વિકસિત દેશોના હાથ ગાઝાની નિર્દોષ મહિલાઓ અને બાળકોના લોહીથી રંગાયેલા છે. પેલેસ્ટિનિયનો માત્ર જમીન માટે લડતા નથી, તેઓ ધર્મયુદ્ધ પણ ચલાવી રહ્યા છે. રહેમાને મુસ્લિમ દેશોને પેલેસ્ટાઈનના સમર્થનમાં ઉભા રહેવા વિનંતી કરી હતી.

દરમિયાન, ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝા પર પરમાણુ હુમલાનો વિકલ્પ ખુલ્લો હોવાનું કહેનારા તેમના એક મંત્રીને કેબિનેટમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. નોંધનીય છે કે ઈઝરાયલના હેરિટેજ મિનિસ્ટર અમીચાઈ ઈલિયાહુએ એક દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે ગાઝા પટ્ટી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવી શકે છે.

મંત્રી અમીચાઈએ રેડિયો કોલ બેરામા સાથેની મુલાકાતમાં આ સંભાવના વ્યક્ત કરી હતી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમીચાઈ ઈલિયાહુના નિવેદનની નિંદા કરી હતી. અમીચાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઈઝરાયલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું છે. એક ઉત્તરી ગાઝા અને બીજી દક્ષિણ ગાઝા. સેનાએ રવિવારે આખી રાત ગાઝા પટ્ટીની હોસ્પિટલોની આસપાસ ભારે બોમ્બમારો કર્યો હતો. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર 5 હજાર બોમ્બ ફેંક્યા હતા. ઘૂસણખોરી કરતી વખતે તેમણે 240 લોકોને બંધક બનાવ્યા હતા. આ બોમ્બ ધડાકામાં 1400 ઈઝરાયલીના મોત થયા હતા. ઈઝરાયલને આ હુમલા અંગે કોઈ જાણકારી નહોતી. અચાનક થયેલા હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરી પ્રથમ હવાઈ હુમલો કર્યો હતો. પછી તેઓએ જમીની હુમલા શરૂ કર્યા હતા અને ગાઝાને ઘેરી લીધું. એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં 9 હજારથી વધુ પેલેસ્ટાઈનીના મોત થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button