પાકિસ્તાન સરકાર જેલમાં કેદ પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મૂકશે

ઇસ્લામાબાદઃ એક વિવાદાસ્પદ પગલામાં પાકિસ્તાન સરકારે આજે જાહેરાત કરી હતી કે તે રાજ્ય વિરોધી પ્રવૃતિઓમાં કથિત સંડોવણી બદલ જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Former Prime Minister)ની પાર્ટી પર પ્રતિબંધો લાદશે અને તેમના અને તેમની પાર્ટીના બે વરિષ્ઠ સહયોગીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરશે.
માહિતી મંત્રી અતાઉલ્લા તરારે એક પ્રેસ કોન્ફરન્સમાં આશ્ચર્યજનક જાહેરાત કરતા કહ્યું કે વિદેશી ભંડોળ મામલે, નવ મેના રમખાણો અને સિફર પ્રકરણની સાથે-સાથે અમેરિકામાં પસાર કરાયેલા ઠરાવને ધ્યાનમાં રાખીને અમારું માનવું છે કે ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પર પ્રતિબંધ મૂકવા માટે ખૂબ જ વિશ્વસનીય પુરાવા છે. એપ્રિલ ૨૦૨૨માં વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારથી ૭૧ વર્ષીય ખાન તેમની વિરુદ્ધ અનેક કેસોને કારણે રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.
પીટીઆઇ વિરુદ્ધ મોરચો માંડતા સંઘીય સરકારે ભૂતપૂર્વ શાસક પક્ષ પર પ્રતિબંધ મૂકવાની સાથે-સાથે પીટીઆઇના સ્થાપક ખાન અને પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી વિરુદ્ધ કલમ ૬ હેઠળ દેશદ્રોહનો કેસ નોંધવાનો નિર્ણય કર્યો છે. તરારે કહ્યું કે જો દેશે આગળ વધવું હોય તો તે પીટીઆઇની હાજરીમાં નહીં થઇ શકે.
આ પણ વાંચો: બોલો, આંતરરાષ્ટ્રીય મેચ અને મીડિયા રાઈટ્સના વેચાણ પર પાકિસ્તાન સરકારે ચલાવી કાતર
તરારે કહ્યું કે અમારી ધીરજ અને સહનશીલતાને અમારી નબળાઇ માનવામાં આવે છે. પીટીઆઇ અને પાકિસ્તાન એક સાથે રહી શકે નહીં કારણ કે સરકાર દેશને રાજકીય અને આર્થિક રીતે સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે તેના પ્રયાસોને નિષ્ફળ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે સંઘીય સરકાર પાર્ટી પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટના શરણે જશે. તરારે એ પણ જાહેરાત કરી કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની આગેવાની હેઠળની સરકાર અને તેના ગઠબંધન ભાગીદારોએ નેશનલ એસેમ્બલીમાં પીટીઆઇને અનામત બેઠકો આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ સમીક્ષા અપીલ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પીટીઆઇને રાહત આપી, જેની તેણે માંગણી પણ કરી ન હતી.