ઇન્ટરનેશનલ

બોલો! વારે વારે યુદ્ધની વાતો કરતી પાકિસ્તાની સરકાર ઉંદર પણ મારી શકતી નથી, આ કામ બિલાડીને સોંપશે

લાહોરઃ ભારતનો જે પાડોશી દેશ પાકિસ્તાન આમ તો વાતે વાતે પરમાણુ બોમ્બની ધમકી આપે છે, આપણા તરફથી ગમે તેટલા શાંતિના પ્રયાસો થાય તોય પોતાની હરકતો છોડતું નથી તે પાકિસ્તાનને હાલમાં એક નાનકડા પ્રાણીએ બાનમાં લીધું છે. પાકિસ્તાન હાલમાં ઉંદરોના ત્રાસથી ત્રાહિમામ છે. પાકિસ્તાનની સંસદમાં ઉંદરો છે. સ્થિતિ એવી છે કે મહત્વની ફાઇલો ઉંદરો કોરતી રહ્યા છે. હવે આ ઉંદરોને મારવા પાકિસ્તાની સરકારે બિલાડી ખરીદવાનો ઉપાય વિચાર્યો છે અને આ માટે બકાયદા બજેટ ફાળવવામાં આવ્યું છે, તેવા અહેવાલો પાકિસ્તાની મીડિયા તરફથી મળી રહ્યા છે.

પાકિસ્તાનની સંસદમાં ઉંદરો અને બિલાડીઓના સમાચાર સાંભળીને આપણને ભલે નવાઈ લાગે, પરંતુ અહીંના સાંસદો અને કર્મચારીઓ આ સમસ્યાથી એટલા પરેશાન છે કે તેઓ કંઈપણ વિચારી શકતા નથી. સંસદ ભવનમાં ઉંદરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઉંદરોની આ સમસ્યા નવી નથી પરંતુ હાલના સમયમાં તે વધુ ગંભીર બની છે. ઉંદરો માત્ર દસ્તાવેજો જ નહીં પણ કોમ્પ્યુટરના વાયરને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત ઉંદરોના કારણે સંસદમાં ગંદકી અને બીમારીઓનો ખતરો પણ વધી ગયો છે.

સંસદના અધિકારીઓએ વિવિધ પગલાં લીધાં છે, જેમ કે ઉંદરોની જાળ ગોઠવવા અને તેમને ભગાડવા માટે કેમિકલ્સનો ઉપયોગ કરવો. પરંતુ આ પગલાંની કોઈ ખાસ અસર થઈ રહી નથી. આ પછી હવે અધિકારીઓએ વિચાર્યું છે કે ઉંદરોથી છૂટકારો મેળવવા માટે સંસદમાં બિલાડીઓ રાખવી જોઈએ.

પાકિસ્તાન પહેલાની જેમ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દરમિયાન, સરકારે ઉંદરોનો સામનો કરવા માટે દેશની સંસદમાં બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે રૂ. 12 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
જો કે, કેટલાક લોકો આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ મોટાભાગના લોકો તેને અસરકારક અને વ્યવહારુ ઉકેલ માની રહ્યા છે.

ખેર, એક વાત સાચી છે કે આ કિસ્સાએ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઉંદરોથી પરેશાન પાકિસ્તાનની સંસદ હવે બિલાડીઓ દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે આ ઉપાય કેટલો સફળ થાય છે અને તે ખરેખર ઉંદરોથી છુટકારો મળે છે કે નહીં.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button