પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, 800થી વધુ લોકોના મોત

ઇસ્લામાબાદ: ભારે વરસાદે પાકિસ્તાનમાં તારાજી સર્જી છે. પાકિસ્તાનના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરે દેશના આર્થિક અને રાજકીય પડકારોને વધુ ગંભીર બનાવ્યા છે. પાકિસ્તાનના ચાર મુખ્ય પ્રાંતો આ પૂરથી પ્રભાવિત થયા છે. આ કુદરતી આફતમાં 800થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો ઘરો તેમજ જાહેર માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે.
પંજાબ તરફ વળ્યું પૂર
પાકિસ્તાનના ચારેય મુખ્ય પ્રાંતો, જેમાં ખૈબર પખ્તુનખ્વા, પંજાબ, સિંધ અને બલુચિસ્તાનનો સમાવેશ થાય છે, તે બધા આ ભયાનક પૂરથી પ્રભાવિત થયા છે. શરૂઆતમાં ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત થયું હતું, પરંતુ તાજેતરમાં ત્યાં પરિસ્થિતિમાં સુધારો થયો છે. હવે કુદરતી આફતનો મુખ્ય ફટકો પાકિસ્તાનના સૌથી મહત્ત્વપૂર્ણ વિસ્તાર ગણાતા પંજાબ તરફ વળ્યો છે. આ કારણોસર, પંજાબના છ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે સેનાના એકમો તૈનાત કરવામાં આવ્યા છે, અને હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
થીન અને ભાખરા ડેમમાંથી પાણી છોડાયું
ખૈબર પખ્તુનખ્વામાં પૂરનું મુખ્ય કારણ ભારે વરસાદ હતું, જ્યારે પંજાબમાં પરિસ્થિતિ ભારતમાં છોડવામાં આવેલા પાણીને કારણે પણ વણસી છે. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું છે કે ભારતે રાવી નદી પરના થીન ડેમ અને સતલજ નદી પરના ભાખરા ડેમના તમામ દરવાજા ખોલી નાખ્યા છે. આને કારણે, રાવી નદી બહાવલનગર પહોંચતા પહેલા લગભગ 8 કિલોમીટર સુધી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે તાજેતરમાં બે વાર પૂરની ચેતવણી પાકિસ્તાનને મોકલી હતી. આ માહિતી હાઈ કમિશન દ્વારા આપવામાં આવી હતી, કારણ કે આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ હેઠળ હાઇડ્રોલોજિકલ ડેટાની વહેંચણી હાલમાં બંધ છે.