જેલમાંથી મુક્ત થયાના કલાકોમાં પાકિસ્તાનના Ex PM ઇમરાન ખાનની ફરીવાર ધરપકડ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને કથિત ભ્રષ્ટાચારના કેસમાં જામીન મળ્યાના થોડા કલાકો પછી વિરોધ પ્રદર્શન મામલે ધરપકડ કરવામાં આવી હતી. આ નવી ધરપકડ સાથે ખાનની જેલમાંથી મુક્ત થવાની સંભાવનાઓ ખત્મ થઇ ગઇ છે.
ઈસ્લામાબાદ હાઈ કોર્ટે તોશખાના સંબંધિત અન્ય કેસમાં ખાનને જામીન આપ્યા બાદ તેમની મુક્તિની આશાઓ વધી ગઈ હતી. આ મામલો એક મોંઘા બુલગારી જ્વેલરી સેટને ખૂબ જ ઓછી કિંમત પર ખરીદવા સંબંધિત છે.
ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાંથી તેને જામીન મળ્યાના કેટલાક કલાકો પછી રાવલપિંડી પોલીસે ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશનમાં આતંકવાદ અને અન્ય આરોપો પર દાખલ કેસમાં મોડી રાત્રે ખાનની ધરપકડ કરી હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે ખાને રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ દરમિયાન 28 સપ્ટેમ્બરે રાવલપિંડીમાં વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યું હતું.
આ પણ વાંચો :તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીની મુશ્કેલીમાં વધારો
ન્યૂઝપેપર ‘ડૉન’ને એક પોલીસ પ્રવક્તાને ટાંકીને લખ્યું હતું કે 28 સપ્ટેમ્બરે નોંધાયેલા કેસમાં ખાનની અટકાયત કરવામાં આવી છે અને આરોપોની તપાસ માટે એક ટીમને કામ સોંપવામાં આવ્યું છે.
આ કેસમાં તેમની ઔપચારિક ધરપકડ પહેલાં જ ફેડરલ માહિતી પ્રધાન એ. તરારે એમ કહીને તેમની મુક્તિની શક્યતાને નકારી કાઢી હતી કે ઇમરાન ખાન 9 મે, 2023ની હિંસા સંબંધિત આઠ કેસોમાં વોન્ટેડ છે અને તેમને તમામ કેસોમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. જેલમાંથી છૂટતા પહેલા જામીન લેવા પડશે.