ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને આપી વધુ એક ધમકી, કહી આ વાત

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરતાં પાકિસ્તાનના નેતાઓ અને મંત્રીઓ બફાટ કરી રહ્યા છે. જેમાં હવે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ભારતને ધમકી આપી છે.

પાણી રોકવું પણ એક હુમલો

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યુમાં ફરી એકવાર ભારતને ખોટી ધમકી આપી છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે જો ભારત સિંધુ નદી પર કોઈ બંધ બનાવશે તો પાકિસ્તાન બંધ પર હુમલો કરશે. તેમણે કહ્યું કે આક્રમણ ફક્ત ગોળીઓ દ્વારા જ થતું નથી પાણી રોકવું પણ એક હુમલો છે.

વિશ્વનો સૌથી સફળ જળ કરાર

ખ્વાજા આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું છે. તેમજ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો બગડ્યા છે. વર્ષ 1960 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થીથી થયેલ સિંધુ જળ સંધિ ને અત્યાર સુધીનો વિશ્વનો સૌથી સફળ જળ કરાર માનવામાં આવે છે. આ સંધિ હેઠળ, ભારતને પૂર્વીય નદીઓ રાવી, બિયાસ, સતલજ પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ, ચિનાબ પર વધુ અધિકાર મળ્યો હતો.

પહલગામ હુમલા બાદ ભારતનું કડક વલણ

ભારત પાસે અમુક શરતો હેઠળ પશ્ચિમી નદીઓ પર વીજ પ્રોજેક્ટ્સ અને અન્ય બાંધકામ કાર્ય હાથ ધરવા માટે મર્યાદિત પરવાનગી છે. ભારત દ્વારા સંધિને સ્થગિત કરવા અંગે પાકિસ્તાનને આક્રમક પ્રતિક્રિયા આપી છે. જ્યારે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 લોકોના મૃત્યુ બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી હતી. સિંધુ જળ સંધિ સ્થગિત કરવા ઉપરાંત ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને વાઘા-અટારી સરહદ બંધ કરી દીધી છે.

ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે

ખ્વાજા આસિફે અગાઉ પણ કહ્યું હતું કે ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે, પરંતુ અમે ભારત સાથે યુદ્ધ શરૂ કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે જો યુદ્ધની સ્થિતિ ઉભી થશે તો પાકિસ્તાન પણ તેનો જવાબ આપશે. પાકિસ્તાના રક્ષા મંત્રીએ જણાવ્યું કે, પાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે વિશ્વ બેંકનો સંપર્ક કરશે.

આ પણ વાંચો…ભારત સરકાર એકશન મોડમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું એક્સ એકાઉન્ટ બેન કર્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button