‘અમેરિકાએ આપણો ઉપયોગ ટિશ્યૂ પેપરની જેમ કર્યો’, પાકિસ્તાની રક્ષા મંત્રીએ ભૂતકાળની ભૂલો સ્વીકારી…

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં પોતાના જ દેશની ભૂતકાળની વિદેશ નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે સ્વીકાર્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતી પર લડાયેલા યુદ્ધોમાં પાકિસ્તાનનો પ્રવેશ એ ઈસ્લામની રક્ષા માટે નહીં, પરંતુ અન્ય સ્વાર્થ માટે હતા. આ નિવેદન દ્વારા તેમણે એ વાતની કબૂલાત કરી છે કે પાકિસ્તાને દાયકાઓ સુધી અમેરિકાના ઈશારે કામ કરીને પોતાના જ દેશના હિતોને નુકસાન પહોંચાડ્યું છે.
ખ્વાજા આસિફે અમેરિકા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાનનો ઉપયોગ ‘ટોયલેટ પેપર’ કે ‘ટિશ્યૂ પેપર’ની જેમ કરવામાં આવ્યો અને કામ નીકળી ગયા બાદ ફેંકી દેવામાં આવ્યું. તેણે પૂર્વ સૈન્ય પ્રમુખ જનરલ ઝિયા-ઉલ-હક અને જનરલ પરવેઝ મુશર્રફની ટીકા કરતા જણાવ્યું કે, 1980ના દાયકામાં રશિયા વિરુદ્ધના યુદ્ધમાં પાકિસ્તાનને બિનજરૂરી રીતે જોતરી દેવામાં આવ્યું હતું. તે સમયે સત્તા ટકાવી રાખવા માટે ‘અમેરિકન ઘોડી’ કે ટેકાની જરૂર હતી, જેના કારણે પાકિસ્તાને આ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું.

સંરક્ષણ મંત્રીએ એક મોટી કબૂલાત કરતા જણાવ્યું કે, યુદ્ધોનું સમર્થન મેળવવા માટે પાકિસ્તાને પોતાના શૈક્ષણિક અભ્યાસક્રમમાં પણ ફેરફાર કર્યા હતા, જેની અસર આજે પણ જોવા મળે છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં લડાયેલી જંગને ‘જેહાદ’નું નામ આપીને લોકોના મગજમાં ખોટી માન્યતાઓ ભરી દેવામાં આવી હતી. હકીકતમાં રશિયાએ ક્યારેય અફઘાનિસ્તાન પર કબજો કર્યો નહોતો, તેમ છતાં પાકિસ્તાને અમેરિકાની જીદ પૂરી કરવા માટે પોતાના લોકોને આ હોળીમાં હોમી દીધા હતા.
વર્ષ 2001 પછીની સ્થિતિ અંગે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે, અમેરિકાના દબાણમાં આવીને પાકિસ્તાન તાલિબાનની વિરુદ્ધ થઈ ગયું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે અમેરિકા તો અફઘાનિસ્તાન છોડીને જતું રહ્યું છે, પરંતુ પાકિસ્તાન આજે પણ તે નિર્ણયોની ભારે કિંમત ચૂકવી રહ્યું છે. આ ભૂલોને કારણે પાકિસ્તાનને જે આર્થિક અને માનવીય નુકસાન થયું છે, તેની ભરપાઈ કરવી અશક્ય છે.



