Pakistan માં ટોય બોમ્બ બ્લાસ્ટ, મદરેસાથી પરત ફરતા ત્રણ બાળકોના મોત
ખૈબર પખ્તુનખ્વા: પાકિસ્તાનના(Pakistan)સૌથી અશાંત વિસ્તારોના એક ખૈબર પખ્તુનખ્વામાં ટોય બોમ્બ વિસ્ફોટમાં ત્રણ બાળકો માર્યા ગયા હતા. જેમાં મૃત્યુ પામેલા બે સગા ભાઈઓ પણ હતા. મળતી માહિતી મુજબ બાળકો મદરેસાથી પરત ફરી રહ્યા હતા અને રસ્તામાં તેઓએ તેને રમકડું સમજીને એક શંકાસ્પદ વસ્તુ ઉઠાવી લીધી. જેમાં બાળકો રમકડાને ઉછાળતા ચાલતા હતા ત્યારે તે વિસ્ફોટ થયો. આ અગાઉ પણ આવા ટોય બોમ્બના કારણે માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા છે.
વિસ્ફોટ બાદ વિસ્તારમાં શોકનો માહોલ
આ સનસનાટીભરી ઘટના બન્નૂના વઝીર સબડિવિઝનના જાની ખેલ વિસ્તારમાં બની હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકો મદરેસામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોર્ટાર શેલ વિસ્ફોટ થયો અને બે ભાઈઓ સહિત ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા. મોર્ટાર શેલ નિર્જન વિસ્તારમાં પડેલો હતો. બાળકોએ તેને રમકડું સમજીને ઉપાડ્યું હતું. જેના પરિણામે જોરદાર વિસ્ફોટ થયો.આ વિસ્ફોટ બાદ વિસ્તારમાં શોકનો માહોલ છે.
ભૂતકાળમાં પણ ઘણા બાળકો ટોય બોમ્બનો શિકાર બન્યા
ભૂતકાળમાં પણ ઘણા બાળકો ટોય બોમ્બનો શિકાર બન્યા છે. આ તપાસમાં ટોયમાં વિસ્ફોટક ઉપકરણો હોવાનું જણાયું હતું. આવી ઘટનાઓ મોટાભાગે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં જ નોંધાય છે. ઉલ્લેખનીય છે કે, સોવિયેત આર્મી દ્વારા 1980ના દાયકામાં પડોશી અફઘાનિસ્તાનમાં ટોય બોમ્બનો ઉપયોગ તેમના આક્રમણનો વિરોધ કરતા લોકો સામે શસ્ત્રો તરીકે કરતાં હતા