પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 14 વર્ષ બાદ સીધી વિમાન સેવા શરૂ: સંબંધોમાં નવો અધ્યાય

લાહોર/કરાચીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ૧૪ વર્ષ પછી એક નવો અધ્યાય શરૂ થયો છે. વર્ષોના અંતરાલ બાદ બંને દેશો વચ્ચે વિમાન સેવાની શરૂઆત થઇ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી એક ફ્લાઇટ ગુરૂવારના રોજ પાકિસ્તાનના કરાચીમાં જિન્નાહ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉતરી હતી. બંને દેશો વચ્ચે નોન-સ્ટોપ હવાઇ કનેક્ટિવિટી ફરી શરૂ થઇ છે.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી(પીએએ) અનુસાર બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટ(બીજી-૩૪૧) ગુરૂવારે સાંજે ઢાકાથી કરાચી પહોંચી હતી. ૧૪ વર્ષ પછી ઢાકાથી જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરનારી આ પહેલી ફ્લાઇટ હોવાનું એક નિવેદનમાં જણાવાયું છે.
આપણ વાચો: ચીન ભારતને ઘેરવા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બનાવી રહ્યું છે લશ્કરી મથકોઃ પેન્ટાગોનનો ખુલાસો
કરાચી એરપોર્ટ પર ઉતરાણ બાદ બિમાન એરલાઇન્સની ફ્લાઇટનું પરંપરાગત વોટર સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએએએ વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન-બાંગ્લાદેશ દોસ્તીમાં એક નવો અધ્યાય- ૧૪ વર્ષ પછી હવાઇ ક્નેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જેની કરાચી એરપોર્ટ પર એક હાઇ-લેવલ સ્વાગત સમારોહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ શરૂઆત ૨૦૨૪માં બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો બાદ વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કર્યા બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતી મિત્રતા વચ્ચે થઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરલાઇન્સ અઠવાડિયામાં બે વાર ઢાકા અને કરાચી વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન કરશે. તેમજ એરલાઇન્સને લાંબા ગાળા માટે પરવાનગી આપતા પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ૩૦ માર્ચ સુધીનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરકારો ઢાકા અને કરાચી વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ફરી શરૂ કરવા મુદ્દે વાટાઘાટો કરી રહી છે. જેથી કરીને વર્ષોના તણાવપૂર્ણ સંબંધો બાદ વેપાર અને અન્ય સંબંધોને વેગ મળી શકે.



