જાણો પાકિસ્તાનમાં તબાહી મચાવનાર ‘હેરોફ’નો અસલી અર્થ: બલૂચોએ કેમ રાખ્યું આ ડરામણું નામ?

પાકિસ્તાન અત્યારે તેના ઇતિહાસના સૌથી મોટા આંતરિક સૈન્ય સંકટનો સામનો કરી રહ્યું છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન હેરોફ 2.0’ એ પાકિસ્તાની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે. છેલ્લા 15 કલાકથી બલૂચિસ્તાનના અનેક વિસ્તારોમાં સ્થિતિ એટલી હદે વણસી છે કે ત્યાં પાકિસ્તાની સેનાનું નિયંત્રણ લગભગ ખતમ થઈ રહ્યું હોય તેવું જણાય છે. આ ઓપરેશનના કારણે પાકિસ્તાન સરકાર અને સૈન્ય હેડક્વાર્ટરમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બલૂચ સંગઠનના દાવા મુજબ, તેમના લડાયકોએ એકસાથે 14 શહેરોમાં 48 અલગ-અલગ ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં પાકિસ્તાની સેના, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. સંગઠનનો દાવો છે કે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 84 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને 18ને બંધક બનાવી લેવાયા છે. ક્વેટા, ગ્વાદર અને પંજગુર જેવા મહત્વના શહેરો પર લડાયકોએ પોતાની પકડ મજબૂત કરી લીધી હોવાના અહેવાલો છે.
શું છે આ ‘ઓપરેશન હેરોફ’ અને તેનો અર્થ?
ઘણાને પ્રશ્ન થાય છે કે આ ‘હેરોફ’ શબ્દનો અર્થ શું છે? બલૂચી અને બ્રાહુઈ ભાષામાં ‘હેરોફ’ નો અર્થ થાય છે ‘કાળું તોફાન’ (Black Storm). આ નામ આ અભિયાનની આક્રમકતાને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરે છે. જે રીતે કાળું તોફાન વિનાશકારી હોય છે, તેવી જ રીતે બલૂચ લડાયકો આ ઓપરેશનને પોતાની આઝાદીના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે. ઓગસ્ટ 2024માં પ્રથમ તબક્કા બાદ હવે જાન્યુઆરી 2026માં શરૂ થયેલું આ ‘હેરોફ 2.0’ અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો માનવામાં આવે છે.
બીજી તરફ, પાકિસ્તાની સરકારનો દાવો છે કે આ અથડામણમાં બલૂચ લડાયકો અને સામાન્ય નાગરિકો સહિત અંદાજે 200 લોકોના મોત થયા છે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો કંઈક અલગ જ કહી રહ્યા છે, જેમાં પાકિસ્તાની સૈનિકો પોતાની પોસ્ટ છોડીને ભાગતા જોવા મળે છે. બળવાખોરોએ 30 થી વધુ સરકારી મિલકતો, બેંકો અને જેલો પર કબજો કરી લીધો છે. હાલમાં બલૂચિસ્તાન એક સળગતા જ્વાળામુખી જેવું બની ગયું છે જે પાકિસ્તાન માટે સૈન્ય અને રાજકીય રીતે મોટું જોખમ છે.



