પાકિસ્તાને વ્હાઇટવૉશ ટાળ્યો, શાહીન આફ્રિદીની કૅપ્ટન્સીમાં પહેલી વાર મેળવી જીત
ક્રાઇસ્ટચર્ચ: પાકિસ્તાને રવિવારે નવા ટી-20 કૅપ્ટન શાહીન શાહ આફ્રિદીના સુકાનમાં પહેલી વાર વિજય માણ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝની પહેલી ચારેય મૅચ હારી ગયા પછી રવિવારે આફ્રિદીની ટીમે યજમાન ટીમને પાંચમા મુકાબલામાં 42 રનથી હરાવીને યજમાન ટીમને ક્લીન સ્વીપ નહોતી કરવા દીધી અને કિવીઓએ 4-1થી સિરીઝ જીતી લીધી હતી.
પાકિસ્તાને બૅટિંગ લીધા પછી 8 વિકેટે 134 રન બનાવ્યા હતા જેમાં રિઝવાનના 38 રન હતા. સાઉધી, હેન્રી, સોઢી અને ફર્ગ્યુસને બે-બે વિકેટ લીધી હતી.
ન્યૂ ઝીલૅન્ડની ટીમ એના સેક્ધડ-લોએસ્ટ ટોટલ 92 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ગ્લેન ફિલિપ્સના 26 રન ટીમમાં હાઇએસ્ટ હતા.
ઇફ્તિખાર અહમદની ત્રણ વિકેટ અને શાહીન આફ્રિદી અને મોહમ્મદ નવાઝની બે-બે વિકેટ તેમ જ ઝમન ખાન અને ઉસામા મીરની એક-એક વિકેટને કારણે કિવીઓ 100 રન સુધી પણ નહોતા પહોંચી શક્યા.
ઇફ્તિખાર અહમદને મૅન ઑફ ધ મૅચનો અને સિરીઝમાં સૌથી વધુ 275 રન બનાવનાર ફિન ઍલનને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પીઢ બોલર ટિમ સાઉધીની 10 વિકેટ સિરીઝમાં હાઇએસ્ટ હતી.
ન્યૂ ઝીલૅન્ડ હવે સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ પર ધ્યાન કેન્દ્રીત કરશે, જ્યારે પાકિસ્તાનના ખેલાડીઓ 17મી ફેબ્રુઆરીએ શરૂ થનારી નવમી પાકિસ્તાન સુપર લીગમાં રમશે.