અમેરિકામાં ‘પાકિસ્તાની’ એમ્બેસેડરને કર્યાં ડીપોર્ટ, એરપોર્ટ પરથી પાછા મોકલ્યા, કારણ જાણો?

લોસ એન્જલસ: દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનનું નામ વૈશ્વિક સ્તરે ખરડાઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તંત્ર અમેરિકામાં પાકિસ્તાનીઓ પર ટ્રાવેલ બેન લગાવવા પર વિચાર કરી રહ્યું છે, એવામાં અમેરિકામાં ફરી એકવાર પાકિસ્તાનનું અપમાન કરવામાં આવ્યું હતું. તુર્કમેનિસ્તાનમાં ફરજ બજાવતા પાકિસ્તાનના રાજદૂત અહેસાન વાગન(Ahsan Wagan) ને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
વાગન અમેરિકાની ખાનગી મુલાકતે હતાં, તેઓ લોસ એન્જલસ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. તેમની પાસે યુએસના માન્ય વિઝા હોવા છતાં, તેને એરપોર્ટથી પાછા મોકલી દેવામાં આવ્યા. અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કાર્યાલયે જણાવ્યું કે રાજદૂત પાસે બધા જરૂરી દસ્તાવેજો હતા, પરંતુ તેમ છતાં તેમને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
આ પણ વાંચો: એક હસીના થી… વિશ્ર્વમાં સૌથી લાંબું શાસનકરનારી મહિલા નેતા શેખ હસીનાનું પતન કેમ થયું?
આ કારણે અમેરિકામાં એન્ટ્રી ન મળી:
એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં ‘વિવાદાસ્પદ વિઝા રેફરન્સ’ મળી આવ્યા હતા, જેના વાગનને યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે, આ વિઝા રેફરન્સ અથવા કોઈ ચોક્કસ સિક્યોરિટી કન્સર્ન વિશે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી.
પાકિસ્તાન સરકારે નારાજગી વ્યક્ત કરી:
પાકિસ્તાનના વિદેશ માત્રલાયે આ ઘટના સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે રાજદૂત પાસે બધા જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ હતાં, છતાં તેમને પાછા મોકલવા એ એક અયોગ્ય પગલું હતું.
ઉચ્ચ-કક્ષાના રાજદ્વારીઓ અને સરકારી અધિકારીઓ પાસે સામાન્ય રીતે ખાસ રાજદ્વારીય પાસપોર્ટ હોય છે, જે સામાન્ય નાગરિકો કરતા અલગ વિઝાને આધીન હોય છે. એક ઉચ્ચ અધિકારીને પ્રવેશ ન આપવો એ બંને દેશોના રાજદ્વારી સંબંધોને અસર કરી શકે છે. અહેસાન વાગન એક ખાસ રાજદ્વારી મિશન માટે અમેરિકા થઈને મુસાફરી કરી રહ્યા હતા, તેથી તેમનું પરત ફરવું એક મોટો ફટકો છે.