તાલિબાની સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કબજો કર્યો; ૧૨ સૈનિકોના મોતનો દાવો! | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

તાલિબાની સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઓ પર કબજો કર્યો; ૧૨ સૈનિકોના મોતનો દાવો!

ઇસ્લામાબાદ/કાબુલ: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર જોખમી સ્તરે પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તાલિબાનના નેતૃત્વ હેઠળની અફઘાન સેનાએ ડુરંડ લાઇન પર આવેલા કુનાર અને હેલમંદ પ્રાંતોમાં પાકિસ્તાનની અનેક સૈન્ય ચોકીઓ પર કબજો કરી લીધો છે.

જાનહાનિના દાવા

અફઘાન ટીવી ચેનલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અથડામણોમાં ઓછામાં ઓછા ૧૨ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને બે ઘાયલ થયા છે. બહરમચા જિલ્લાના શકીજ, બીબી જાની અને સાલેહાન વિસ્તારોમાં ભારે ગોળીબાર ચાલુ છે અને આ લડાઈ પક્તિયા પ્રાંતના આરયૂબ જાઝી જિલ્લા સુધી ફેલાઈ ગઈ છે.

અફઘાન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તાલિબાન દળોએ કુનાર અને હેલમંદ પ્રાંતોમાં ડુરંડ લાઇન પાર સ્થિત પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ પર કબજો કરી લીધો છે. શકીજ, બીબી જાની અને સાલેહાન વિસ્તારોમાં લડાઈ હજી પણ ચાલુ છે.”

તણાવનું કારણ કથિત હવાઈ હુમલો

આ અથડામણો પાકિસ્તાને કથિત રીતે કાબુલ નજીક હવાઈ હુમલો કર્યાની થોડા દિવસો બાદ થઈ છે. અફઘાનિસ્તાનની ‘૨૦૧ ખાલિદ બિન વાલિદ આર્મી કોર’ એ આ પગલાને પ્રતિશોધ માટે ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેના જવાબમાં નંગરહાર અને કુનાર ખાતેના પાકિસ્તાની સૈન્ય મથકો પર હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, પાકિસ્તાને આ કથિત હવાઈ હુમલાની હજી સુધી સત્તાવાર પુષ્ટિ કે ખંડન કર્યું નથી.

પાકિસ્તાનનો વળતો પ્રહાર

મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેનાએ હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ સુરક્ષા સૂત્રોએ ઓછામાં ઓછા પાંચ સ્થળોએ સંઘર્ષની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પાકિસ્તાની સેના જવાબી કાર્યવાહી કરી રહી છે. સ્થાનિક સૂત્રોના મતે, આ અથડામણ હવે પક્તિયાના આરયૂબ જાઝી જિલ્લાથી આગળ વધીને સ્પિના શાગા, ગીવી, મની જભ્હા અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે પાકિસ્તાની સૈન્ય મથકો અને ઉપકરણોને મોટું નુકસાન થયું છે અને કુનાર તથા હેલમંદમાં એક-એક ચોકી સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો…મહિલા પત્રકારોને ‘બહાર’ રાખતાં પ્રિયંકા ગાંધી ભડક્યા: PM મોદીને પૂછ્યું – ‘તાલિબાનના પગલે ચાલવું યોગ્ય છે?’

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button