પાકિસ્તાની યુદ્ધ જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, ભારતની ચિંતા વધી

ઢાકાઃ મોહમ્મદ યુનુસની સત્તા આવતાં જ પાકિસ્તાનના દાયકાઓ જૂના સપના સાકાર થઈ રહ્યા છે. 1971માં બાંગ્લાદેશ અલગ થયા પછી પહેલી વાર કોઈ પાકિસ્તાની નૌસેનાનું યુદ્ધ જહાજ બાંગ્લાદેશના દરિયાકાંઠે આવ્યું છે. માત્ર 15 મહિનામાં જ યુનુસ સરકારે એવું કરી બતાવ્યું કે જે 53 વર્ષમાં પાકિસ્તાન કરી શક્યું નહોતું. આ ઘટનાએ ભારતની ચિંતા વધારી દીધી છે.
સૂત્રોના પાસેથી મળતી માહિતી અનુસાર 8 નવેમ્બરે પાકિસ્તાની નૌસેનાનું જહાજ PNS સૈફ ચટગાંવ બંદરે પહોંચ્યું. કેપ્ટન શુજાત અબ્બાસ રાજાની આગેવાની હેઠળ આ જહાજે ચાર દિવસની સદ્ભાવના યાત્રા શરૂ કરી. આ જહાજનું સ્વાગત બાંગ્લાદેશ નેવીએ ધામધૂમથી કર્યું. આ કાર્યક્રમમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓ અને બાંગ્લાદેશી નૌસેનાના ટોચના અધિકારીઓ હાજર રહ્યા.
આ જહાજના આગમન સાથે જ પાકિસ્તાનના નૌસેના વડા એડમિરલ નવીન અશરફ પણ બાંગ્લાદેશની મુલાકાતે છે. બાંગ્લાદેશ નેવીએ જણાવ્યું કે, “આ મુલાકાતથી બન્ને દેશની નૌસેનાઓ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.” ગયા મહિને પાકિસ્તાન આર્મીના નંબર-2 જનરલે પણ ઢાકાની મુલાકાત લીધી હતી.
ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકારના પતન પછી મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારની કમાન સંભાળી. ત્યારથી પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે સૈન્ય સ્તરે નજીક આવવાનું સિલસિલો શરૂ થયું. બન્ને દેશના ઉચ્ચ અધિકારીઓએ એકબીજાના દેશની મુલાકાતો લીધી. 1971ના યુદ્ધ પછી આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાની યુદ્ધ જહાજ બાંગ્લાદેશના પાણીમાં આવ્યું હોય.
જો કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મિત્રતાને ભારત માટે સંકટ ઊભો કરી શકે છે. 1971માં બાંગ્લાદેશને આઝાદ કરાવવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. શેખ હસીનાના 15 વર્ષના શાસનમાં ભારત-બાંગ્લાદેશ સંબંધો ખૂબ મજબૂત હતા. પણ યુનુસ સરકાર આવતાં જ ઢાકા ઝડપથી ઇસ્લામાબાદની નજીક જઈ રહ્યું છે, અને નવી દિલ્હીથી દૂર થઈ રહ્યું છે.



