ટ્રમ્પના આકરા H-1B નિયમ સામે અનેક સંગઠનો કોર્ટમાં પહોંચ્યા! કોર્ટે રોક નહીં લગાવે તો ‘ઇનોવેટર્સ’ ગુમાવશે અમેરિકા!

વોશિંગ્ટન: અમેરિકામાં H-1B વિઝા કાર્યક્રમને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ આદેશ વિરુદ્ધ શુક્રવારે ફેડરલ કોર્ટમાં મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વિઝા અરજીઓ માટે 1 લાખ ડોલરનો નવો અને આકરો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. 19 સપ્ટેમ્બરે ટ્રમ્પે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને અચાનક લાગુ કરવાની તૈયારીને પગલે કંપનીઓ અને કર્મચારીઓ બંનેમાં અફરાતફરી મચી ગઈ છે.
ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તેના કારણે સસ્તા વિદેશી શ્રમિકોને લાવીને અમેરિકી કર્મચારીઓને બદલવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના મતે, આ વધેલી કિંમતો અમેરિકી જોબ માર્કેટને બચાવવા માટે જરૂરી છે. જોકે, આલોચકો આ પગલાને મનસ્વી, અવ્યવહારુ અને ગેરકાયદેસર ગણાવી રહ્યા છે.
હોસ્પિટલો, યુનિવર્સિટીઓ અને ધાર્મિક સંગઠનોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સેન ફ્રાન્સિસ્કોની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. અનેક હોસ્પિટલો, ધાર્મિક સંગઠનો, યુનિવર્સિટી પ્રોફેસરો અને સામાજિક જૂથો દ્વારા સંયુક્ત રીતે આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે આ નવો નિયમ દેશની સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ અને નવાચાર (ઈનોવેશન) પર ગંભીર અસર કરશે. અદાલત સમક્ષ ટ્રમ્પના આદેશ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. મુકદ્દમામાં ચેતવણી આપવામાં આવી છે કે જો રાહત નહીં મળે તો હોસ્પિટલોમાં ડોક્ટર અને નર્સ ઓછા થઈ જશે, ચર્ચોમાંથી પાદરીઓ જતા રહેશે, શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ઘટશે અને અમેરિકા ઘણા મોટા ઈનોવેટર્સને ગુમાવશે.
H-1B વિઝાની અગત્યતા
H-1B વિઝા કાર્યક્રમ અમેરિકી કોંગ્રેસે ખાસ ક્ષેત્રોમાં ઉચ્ચ કુશળતા (High Skill) ધરાવતા લોકોને આકર્ષિત કરવા માટે બનાવ્યો હતો. અરજીમાં જણાવ્યા મુજબ, આશરે એક-તૃતીયાંશ H-1B વિઝા નર્સ, શિક્ષક, ચિકિત્સક, સંશોધકો અને ધાર્મિક કાર્યકર્તાઓને મળે છે. અત્યાર સુધી આ વિઝા હંમેશા લોટરી સિસ્ટમ દ્વારા આપવામાં આવ્યો છે. આ વર્ષે એમેઝોનને સૌથી વધુ 10,000થી વધુ વિઝા મળ્યા હતા. ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી, માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ જેવી કંપનીઓ મુખ્ય લાભાર્થી રહી. સૌથી વધુ H-1B વિઝા ધારકો કેલિફોર્નિયામાં રહે છે.
આ પણ વાંચો…US શટડાઉનને કારણે H-1B અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા બંધ; ભારતીયોને થશે અસર