ગુનેગારોને પકડવાના નામે રાજકારણ? ટ્રમ્પનું "ઓપરેશન મિડવે બ્લિટ્ઝ" વિવાદમાં...
Top Newsઇન્ટરનેશનલ

ગુનેગારોને પકડવાના નામે રાજકારણ? ટ્રમ્પનું “ઓપરેશન મિડવે બ્લિટ્ઝ” વિવાદમાં…

શિકાગો: ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે જાહેરાત કરી કે તેમણે શિકાગો અને ઇલિનોઇસના અન્ય ભાગોમાં “ઓપરેશન મિડવે બ્લિટ્ઝ” નામનું ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે, આ ઓપરેશનના વ્યાપ અંગે સ્પષ્ટતા નથી કરવામાં આવી.

વળી આ ઓપરેશન અંગે ગવર્નરે જણાવ્યું હતું કે તેઓ આ અંગે અજાણ છે. અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા અખબારી યાદીમાં જણાવાયું હતું છે કે શહેર અને રાજ્યના “સેન્ચ્યુરી” કાયદાઓ કે જે ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ સાથે સહકાર મર્યાદિત કરે છે, તેના કારણે આ ઓપરેશન જરૂરી બન્યું છે.

ટ્રમ્પે પોસ્ટમાં કહ્યું, હું મદદ કરવા માંગુ છું
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શિકાગોમાં તાજેતરમાં થયેલા હત્યાઓ અને ગોળીબારની ઘટનાઓનો ઉલ્લેખ કરીને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિત્ઝકર પર કેન્દ્ર સરકાર પાસેથી મદદ ન માંગવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ તેમણે શિકાગોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ઑપરેશન “ઑપરેશન મિડવે બ્લિટ્ઝ” શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, “હું શિકાગોના લોકોને મદદ કરવા માંગુ છું, તેમને નુકસાન પહોંચાડવા નથી માંગતો. માત્ર ગુનેગારોને જ નુકસાન થશે! આપણે ઝડપથી આગળ વધી શકીએ છીએ અને આ ગાંડપણને રોકી શકીએ છીએ.” તેમણે ગવર્નર પ્રિત્ઝકર અને શિકાગોના મેયર બ્રાન્ડન જોન્સન પર રાજ્ય અને શહેરનું ધ્યાન રાખવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો.

શિકાગોના મેયર અને ગવર્નરે કહ્યું, અમે અજાણ
શિકાગોના મેયર બ્રાન્ડન જોન્સન અને ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિત્ઝકર બંને આ યોજનાઓની ટીકા કરી રહ્યા છે. પ્રિત્ઝકરે કહ્યું કે ટ્રમ્પ 2026 ની મધ્ય-સત્ર ચૂંટણીઓમાં ચાલાકી કરવા માટે સૈનિકોનો ઉપયોગ કરશે. પ્રિત્ઝકરના પ્રવક્તા મેટ હિલએ જણાવ્યું કે, “ગવર્નરની ઓફિસને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી કોઈ ઔપચારિક સંચાર કે માહિતી મળી નથી.”

“જાહેર જનતા અને પ્રેસની જેમ, અમે તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમના ઓપરેશન્સ વિશે જાણી રહ્યા છીએ કારણ કે તેઓ રિયાલિટી ટેલિવિઝન શો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

શનિવારે એક અન્ય પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે 1979ની વિયેતનામ યુદ્ધની ફિલ્મ “એપોકેલિપ્સ નાઉ” પર આધારિત એક મીમ પોસ્ટ કરી હતી, જેમાં આગ અને હેલિકોપ્ટરથી ભરેલા શિકાગોના સ્કાયલાઇનની છબી દર્શાવવામાં આવી હતી, જે ફિલ્મમાં વિયેતનામીસ ગામ પરના ઘાતક હેલિકોપ્ટર હુમલાની યાદ અપાવે છે.

શિકાગો ઓપરેશનની જાહેરાત કરતી અખબારી યાદીમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા અને ઇલિનોઇસ જેલો દ્વારા મુક્ત કરાયેલા કેટલાક ગુનાહિત ઇમિગ્રન્ટ્સની યાદી બહાર પાડી હતી. ગુનાઓમાં હુમલો, ચોરી, ડ્રગનો કબજો અને અન્ય ગુનાઓ, તેમજ ગેંગ સભ્યપદના આરોપોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…અમેરિકા ગયેલા ભારતીયોની મુશ્કેલીઓ વધશે, ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂ કરી આ કવાયત…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button