‘શાળામાં ગોળીબાર કરીશ’, અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપનાર વિદ્યાર્થી બેગમાંથી પિસ્તોલ સાથે ઝડપાયો…

ન્યુયોર્ક: ગોળીબારની ઘટનાઓને લીધે અમેરિકા સતત ચર્ચામાં રહે છે. ત્યારે ન્યુયોર્ક શહેરમાં એક ચોંકવાનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક હાઇ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા પોતાના વર્ગખંડમાં પિસ્તોલ લઈ જવા અને સોશિયલ મીડિયા પર શાળામાં ગોળીબાર કરવાની ધમકીના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ ઘટના અંગેની જાણકારી અધિકારીઓએ આપી હતી. પોલીસ અધિકારી જેસિકા ટીશે માહિતી આપતા કહ્યું હતું કે 16 વર્ષીય વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપી હતી.
પોલીસ કમિશનર ટિશએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોસ્ટ જોનાર એક વ્યક્તિએ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ને આની જાણ કરી હતી, જેમણે પછી ન્યૂ યોર્ક પોલીસનો સંપર્ક કર્યો હતો. ટિશે જણાવ્યું કે અધિકારીઓએ શાળાએ જઈને વિદ્યાર્થીને શોધી કાઢ્યો હતો અને તેના બેગમાંથી 13 ગોળીઓ ભરેલી 9 એમએમની હેન્ડગન મળી આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે હાઈસ્કૂલમાં હથિયારો માટે વિદ્યાર્થીઓની તપાસ કરવામાં નથી આવતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે પોલીસે 16 વર્ષના વિદ્યાર્થીનું નામ જાહેર કર્યું નથી, કારણ કે તે સગીર છે અને તેનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પોલીસના અધિકારીઓએ શાળાના સ્ટાફ સાથે મળીને સર્વપ્રથમ વિદ્યાર્થીની ઓળખ કરવામાં આવી હતી અને બાદમાં તેને બહાર લઈ જઈને ખાલી કોન્ફરન્સ રૂમમાં તેની બેગની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની બેગમાંથી પિસ્તોલ મળી આવી હતી, તે ઉપરણત બેગમાંથી ત્રણ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો…ન્યુયોર્કના મેનહટનમાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત