હવે લંડનમાં ખાલિસ્તાનવાદીઓની આતંકી હરકત
શીખ રેસ્ટોરન્ટના માલિકની કાર પર ગોળીબાર, પરિવાર પર પણ હુમલો
લંડનના એક શીખ રેસ્ટોરન્ટના માલિકે દાવો કર્યો છે કે પશ્ચિમ લંડનમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તેમની કાર પર ગોળી મારી હતી અને તોડફોડ કરી હતી. આ એ જ શીખ વ્યક્તિ છે જે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવે છે જેના કારણે તેને ધમકીઓ મળી રહી હતી.
મલતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા હુમલાખોરોએ કથિત રીતે હરમન સિંહ કપૂરની કાર પર ગોળીબાર કર્યો હતો. એમ પણ જાણવા મળ્યું છે કે તેના પરિવારને કથિત ખાલિસ્તાન સમર્થકો દ્વારા હિંસા અને બળાત્કારની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે.
યુકે સ્થિત પત્રકાર અને સંશોધક ચાર્લોટ લિટલવુડે ટ્વિટર (x) પર શેર કરેલી પોસ્ટમાં દાવો કર્યો છે કે કપૂર પરિવાર પર હુમલો થઈ રહ્યો છે. તેણે લખ્યું હતુ કે, “હરમન સિંહ કપૂર + પરિવાર પર હુમલો ચાલુ છે. તેઓ પોલીસની રાહ જોઈ રહ્યા છે કારણ કે ખાલિસ્તાની આતંકવાદીઓએ લંડનમાં તેમના વાહન પર ગોળીબાર કર્યો હોવાનું માનવામાં આવે છે. અપેક્ષા મુજબ – કેનેડા વિવાદે ઉગ્રવાદીઓને ઉત્તેજન આપ્યું છે. જેને કારણે આવી વધુ હિંસા જોવા મળી રહી છે.”
જો કે, આ દાવાઓ પર યુકે પોલીસ તરફથી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી. આ દાવાઓ એ જ દિવસે સામે આવ્યા છે જ્યારે સ્કોટલેન્ડમાં ખાલિસ્તાની તત્વોએ જાણીજોઈને ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી માટે આયોજિત કાર્યક્રમમાં ભંગ પાડ્યો હતો. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ ગ્લાસગો શહેરના એક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. દોરાઈસ્વામી આ અઠવાડિયે સ્કોટલેન્ડના પ્રવાસે હતા. આલ્બર્ટ ડ્રાઈવ ખાતે આવેલી ‘ગ્લાસગો ગુરુદ્વારા ગુરુ ગ્રંથ સાહિબ’ની તેમની આયોજિત મુલાકાત દરમિયાન, શીખ યુથ યુકેના સભ્યો હાઈ કમિશનર દોરાઈસ્વામીની કાર પાસે પહોંચ્યા હતા અને તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. બ્રિટનમાં ભારતના હાઈ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેઓને આ તત્વો દ્વારા ધમકી આપવામાં આવી હતી અને તેમની સાથેદુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જોકે, કોઈપણ સંભવિત વિવાદને રોકવાના પ્રયાસરૂપે, હાઈ કમિશનર અને કોન્સ્યુલ જનરલે તરત જ આ વિસ્તાર છોડી દીધો હતો.”