હવે આ પડોશી દેશમાં થશે રાષ્ટ્રપતિની ચૂંટણી, તારીખ જાહેર
કોલંબો: નેપાળ અને બ્રિટન સહિત અન્ય દેશમાં સત્તા પલટા પછી હવે ભારતના પડોશી દેશ શ્રી લંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવાની તારીખો જાહેર કરવામાં આવી છે. શ્રી લંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
શ્રી લંકાના ચૂંટણી પંચે કહ્યું છે કે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જૂલાઇ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના અધ્યક્ષ આરએમએએલ રત્નાયકેએ કહ્યું કે 17 જુલાઈ પછી કોઈ પણ સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
આ માટે ચૂંટણી પંચને તમામ કાયદાકીય સત્તાઓ આપવામાં આવી છે. અગાઉ મે મહિનામાં ચૂંટણી પંચે કહ્યું હતું કે શ્રીલંકામાં 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ શકે છે.
ચૂંટણી પંચના અધ્યક્ષ રત્નાયકેએ વધુમાં જણાવ્યું હતું કે 2024ના ચૂંટણી રજિસ્ટરને પંચ દ્વારા હાલમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મતદાર નોંધણી ચૂંટણીનો આધાર હશે. તેમના મતે ચૂંટણીમાં 17 કરોડથી વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શ્રી લંકામાં ચૂંટણીને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આના એક દિવસ પહેલા જ ચૂંટણી પંચના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો : જો બાઇડેન ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે, આ ચહેરો ટ્રમ્પની સામે હશે
ગયા અઠવાડિયે એક વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કોર્ટને ચૂંટણી અટકાવવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી બંધારણના અનુચ્છેદ 30(2) અને 82 હેઠળ રાષ્ટ્રપતિના કાર્યકાળ અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ચૂંટણી પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સોમવારે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે.
શ્રી લંકાના બંધારણના 19મા સુધારામાં કલમ 30(2) હેઠળ રાષ્ટ્રપતિનો કાર્યકાળ છથી પાંચ વર્ષ સુધી મર્યાદિત હતો. બીજી તરફ 82માં સુધારા મુજબ, રાષ્ટ્રપતિનો કાર્યકાળ જનમત સંગ્રહ દ્વારા છ વર્ષ સુધી વધારી શકાય છે.
આ કારણોસર અરજદારે રાષ્ટ્રપતિના કાર્યકાળ અંગે સ્પષ્ટતાની માંગ કરી છે. આ દરમિયાન વિપક્ષે પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે પર હારનો ડર હોવાનો આરોપ લગાવ્યો છે. તેથી વિક્રમસિંઘે ચૂંટણી મોકૂફ રાખવા અને રાષ્ટ્રપતિ પદ પર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે.