હવે એલોન મસ્કે ટ્રુડોની નિંદા કરી કહ્યું-વાણી સ્વાતંત્ર્યને કચડી નાખવાનો તેમનો પ્રયાસ શરમજનક

ઓટ્ટાવાઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને તેમના નિર્ણયો અને કાર્યો માટે વિશ્વમાં સતત ઠપકો અને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સ્પેસએક્સના સ્થાપકે તેમની નિંદા કરી છે. સ્પેસએક્સના સ્થાપક અને સીઇઓ એલોન મસ્કે કેનેડાની સરકાર પર વાણી સ્વાતંત્ર્યને દબાવવાનો આરોપ મૂક્યો છે અને તેને શરમજનક ગણાવ્યો છે.
ટ્રુડો સરકારે એક નવો વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર ઓનલાઇન સ્ટ્રીમિંગ સેવાઓનું નિયમન કરશે. એટલે ઓનલાઇન સ્ટ્રીમિંગ સેવાઓએ નિયમનકારી નિયંત્રણ નોંધણી કરાવવી જરૂરી રહેશે. ઇલોન મસ્કે ટ્રુડોના આદેશને શરમજનક ગણાવ્યો હતો. તેમણે કેનેડા સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘ટ્રુડો કેનેડામાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે શરમજનક છે. ‘
આ પહેલીવાર નથી જ્યારે ટ્રુડો સરકાર પર અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ કામ કરવાનો આરોપ લાગ્યો હોય. અગાઉ ફેબ્રુઆરી 2022 માં ટ્રુડોએ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો હતો અને તેમની સરકારને કોવિડ-19 રોગચાળાના પ્રતિબંધો સામે વિરોધ કરતા ટ્રક ડ્રાઇવરોને રોકવા માટે વધારાની સત્તાઓ આપી હતી. આ ડ્રાઇવરો તે સમયે રસીના આદેશનો વિરોધ કરી રહ્યા હતા.
કેનેડાના પીએમએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી હતી ત્યારે નવો વિવાદ ઊભો થયો હતો. જો કે, ભારતે આ દાવાઓને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા અને તેમને ‘વાહિયાત’ અને ‘પ્રેરિત’ ગણાવ્યા હતા. કેનેડાના વડા પ્રધાન ટ્રુડો દ્વારા હત્યામાં ભારતીય સંડોવણીના આરોપો બાદ ભારતે કેનેડામાં તેની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે.