અમેરિકા, જાપાન અને દ.કોરિયાએ કર્યો સંયુક્ત યુદ્ધ અભ્યાસ, રશિયાએ આપી ચેતવણી, જાણો શું કહ્યું?

વોનસાન: વિશ્વમાં એવા સાત દેશ છે, જે પરમાણુ હથિયાર ધરાવે છે. ઉત્તર કોરિયા પણ આ સાત દેશો પૈકીનું એક છે. આંતરરાષ્ટ્રીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉત્તર કોરિયા પાસે એટલી સામગ્રી છે કે, તે દર વર્ષે પાંચથી સાત પરમાણુ હથિયાર બનાવી શકે છે. ઉત્તર કોરિયાના આ પરમાણુ કાર્યક્રમના જવાબમાં અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાએ યુદ્ધ અભ્સાસ શરૂ કર્યો છે. આ યુદ્ધ અભ્યાસને લઈને રશિયાએ અમેરિકા સહિતના ત્રણેય દેશોને ચેતવણી આપી છે.
રશિયાના વિદેશ પ્રધાને લીધી ઉત્તર કોરિયાની મુલાકાત
આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તર કોરિયાએ વોનસન શહેર ખાતે 20,000 લોકોની ક્ષમતા ધરાવતો એક ભવ્ય દરિયાઈ રિસોર્ટ શરૂ કર્યો છે. જેની મુલાકાત માટે શનિવારે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ઉત્તર કોરિયાના પ્રવાસે ગયા હતા. વોનસન શહેર ખાતે સર્ગેઈ લાવરોવે ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન ચોન સોન હુઈ સાથે વાટાઘાટો કરી હતી અને ત્યારબાદ પત્રકારોને સંબોધન કર્યું હતું.

પોતાના સંબોધનમાં સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે અહીં રશિયાના પ્રવાસીઓ આવવા ઈચ્છશે. અમે તેઓને અહીં આવવાની શક્ય હોય તેટલી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવીશું. જેમાં હવાઈ યાત્રાનો પણ સમાવેશ થાય છે.” ત્યારબાદ તેમણે અમેરિકાના ત્રિપક્ષીય યુદ્ધાભ્યાસને અનુલક્ષીને જણાવ્યું હતું કે, “અમે ચેતવણી આપીએ છીએ કે, આ સંબંધોનો ઉપયોગ કોઈ પણ દેશ, ખાસ કરીને ઉત્તર કોરિયા અથવા રશિયાની વિરૂદ્ધ ગઠબંધન બનાવવા માટે ન કરવામાં આવે. ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ તેના વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે. અમે તેના પરમાણુ વિકાસ પાછળના કારણો જાણીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ.”
ઉત્તર કોરિયા અને રશિયાનો મજબૂત સંબંધ
પોતાની મુલાકાત દરમિયાન સર્ગેઈ લાવરોવે યુક્રેની ઘૂસણખોરી રોકવામાં ઉત્તર કોરિયાના સૈનિકોની મળેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાન ચોન સોન હુઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “અમારો દેશ રશિયા-યુક્રેનના યુદ્ધમાં કોઈપણ શરત વગર રશિયાનું સમર્થન કરે છે.” ઉત્તર કોરિયા રશિયાને હથિયાર અને વિસ્ફોટકો પૂરા પાડે છે. એના બદલામાં રશિયા તેને સૈન્ય ટેક્નોલોજી અને આર્થિક મદદ કરે છે. તેથી અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની ચિંતા વધી છે કે, રશિયા ઉત્તર કોરિયાને એવી કોઈ ટેક્નોલોજી ન આપી દે જેનાથી તેના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ વધુ ખતરનાક બની જાય.
અમેરિકાના નેતૃત્વમાં થયો યુદ્ધ અભ્યાસ
ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમના જવાબમાં અમેરિકાના નેતૃત્ત્વમાં જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના ત્રણ દેશોએ ત્રિપક્ષીય યુદ્ધ અભ્યાસો શરૂ કર્યા છે. શુક્રવારે આ ત્રણેય દેશોએ કોરિયાઈ દ્વીપકલ્પ પાસે એક સંયુક્ત એર ડ્રીલ કરી હતી. જેમાં અમેરિકાના પરમાણુ હથિયારનું વહન કરવામાં સક્ષમ બોમ્બર્સે પણ ભાગ લીધો હતો.
આપણ વાંચો : વિદેશી પ્રવાસીઓ માટે ઉત્તર કોરિયાના દ્વાર ખૂલ્યા! કિમ જોંગ ઉનનો ઉત્તરાધિકારી કોણ બનશે?