વેનેઝુએલા પર હુમલા બાદ ઉત્તર કોરિયા એલર્ટ, કિમ જોંગે પરમાણુ ક્ષમતા મજબૂત કરવા ભાર મુક્યો…

પ્યોંગયાંગ : અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલા હુમલા બાદ ઉત્તર કોરિયાએ પણ પોતાની તાકાત દેખાડી છે. ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે રવિવારે કરવામાં આવેલું મિસાઈલ પ્રક્ષેપણ હાઇપરસોનિક મિસાઇલો સાથે સંબંધિત હતું. ઉત્તર કોરિયાન નેતા કિમ જોંગ ઉને આ હાઇપરસોનિક મિસાઇલના પરીક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કિમે દેશની પરમાણુ ક્ષમતા મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
મિસાઈલ પ્રક્ષેપણ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ
આ ઉપરાંત કિમ જોંગ ઉને કહ્યું હતું કે, આ મિસાઈલ પ્રક્ષેપણ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. તેમજ લશ્કરી સંસાધનો અને તેમાં ખાસ કરીને આક્રમક શસ્ત્ર પ્રણાલીઓને સતત અપગ્રેડ કરવી જોઈએ. હાઇપરસોનિક શસ્ત્રોની સફળતા ઉત્તર કોરિયાને અમેરિકા અને દક્ષિણ કોરિયાની મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓની સમકક્ષ લાવે છે.
આ પણ વાંચો…“જો વાત નહીં માનો તો માદુરો કરતા પણ ખરાબ હાલત થશે”, વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિને ટ્રમ્પની ચેતવણી
બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી
દક્ષિણ કોરિયાના સંરક્ષણ વિભાગ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર ઉત્તર કોરિયાએ તેના પૂર્વી તટથી જાપાન સાગર તરફ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. હાલમાં સૈન્ય નિષ્ણાતો આ મિસાઇલની રેન્જ અને તેના પ્રકાર વિશે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

પરમાણુ શક્તિથી ચાલતી સબમરીનનું પણ નિરીક્ષણ કર્યું
મિસાઇલ પરીક્ષણ પહેલા ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને દેશની મહત્વની હથિયાર ફેક્ટરીની મુલાકાત લીધી હતી. સરકારી મીડિયાના અહેવાલ મુજબ કિમ જોંગે સૈન્ય અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે વ્યૂહાત્મક માર્ગદર્શિત શસ્ત્રોનું ઉત્પાદન બમણું કરવામાં આવે. આ ઉપરાંત તેમણે પરમાણુ શક્તિથી ચાલતી સબમરીનનું પણ નિરીક્ષણ કર્યું હતું. જે દર્શાવે છે કે આગામી વર્ષે યોજાનારી “વર્કર્સ પાર્ટી” ની કોંગ્રેસ પહેલા ઉત્તર કોરિયા પોતાની સૈન્ય શક્તિને ચરમસીમાએ લઈ જવા માંગે છે.
આ પણ વાંચો…ઉત્તર કોરિયાની વધુ એક ઉશ્કેરણી: સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડી, જાપાન અને દક્ષિણ કોરિયામાં ફફડાટ…
ઉત્તર કોરિયાએ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીની આકરી ટીકા કરી
ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાએ વારંવાર મિસાઇલ પરીક્ષણો કરે છે. હાલનું પરીક્ષણ મહત્વપૂર્ણ છે કારણ કે એક દિવસ પૂર્વે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અમેરિકાએ ધરપકડ કરી છે. માદુરો પર અમેરિકામાં કેસ ચલાવવામાં આવશે. ઉત્તર કોરિયાએ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીની આકરી ટીકા કરી છે.



