ઇન્ટરનેશનલ

‘યુરોપમાં ક્રિકેટની મૅચો કોઈ નથી જોતું’…જાણીતા ફૂટબૉલ ખેલાડીએ આવો બફાટ કર્યો

લંડન: યુરોપમાં હાલમાં ક્રિકેટ (Cricket) બીજા નંબરની સૌથી લોકપ્રિય (popular) રમત છે, પરંતુ મૂળ બેલ્જિયમનો અને પ્રોફેશનલ ફૂટબૉલમાં મેન્ચેસ્ટર સિટી (Manchester City) નામની ટોચની ટીમ વતી રમતો કેવિન ડિબ્રુઇની (Kevin De Bruyne) કહે છે કે આ વાત સાવ ખોટી છે.

ડિબ્રુઇનીએ બફાટ કરતા કહ્યું છે કે યુરોપ ખંડમાં ક્રિકેટની રમત લોકપ્રિય છે જ નહીં.

ડિબ્રુઇની અને મેન્ચેસ્ટર સિટી વતી તેની સાથે રમતા ખેલાડી જેમ્સ મૅકેટીએ એક કવીઝ શૉમાં ભાગ લીધો હતો જેમાં તેમને યુરોપમાં સૌથી લોકપ્રિય પાંચ રમત કઈ? એ સવાલ પૂછવામાં આવ્યો હતો.

બન્ને પ્લેયરના જવાબ પછી આ શૉ (Show)ના એન્કરે પાંચ રમતોની યાદી જાહેર કરી ત્યારે એમાં ક્રિકેટનું નામ વાંચીને ડિબ્રુઇનીને આંચકો લાગ્યો હતો.

એ લિસ્ટમાં સૌથી લોકપ્રિય પાંચ રમત આ મુજબ બતાવવામાં આવી હતી: ફૂટબૉલ, ક્રિકેટ, બાસ્કેટબૉલ ટેનિસ અને ફોર્મ્યુલા વન.

જોકે ડિબ્રુઇનીએ આ યાદી વાંચીને કહ્યું કે ‘આ સાવ ખોટું છે. યુરોપમાં ક્રિકેટ કોઈ નથી જોતું અને આ લિસ્ટમાં ક્રિકેટને બીજા નંબર પર બતાવવામાં આવી છે એ પણ ઠીક નથી. સાચું કહું તો યુરોપમાં ક્રિકેટની મૅચો કોઈ જોતું હોય એવી કોઈ વ્યક્તિ મારા ધ્યાનમાં નથી આવી.’

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)માં યુરોપમાંથી 33 દેશો મેમ્બર તરીકે જોડાયેલા છે. ક્રિકેટની રમતના જનક ગણાતા ઇંગ્લૅન્ડ ઉપરાંત આયરલૅન્ડ વર્ષોથી ક્રિકેટની રમતમાં જાણીતો દેશ છે જ, સ્કૉટલૅન્ડ અને નેધરલૅન્ડસ સહિત અનેક યુરોપિયન દેશોમાં ક્રિકેટ હવે લોકપ્રિય થઈ ગઈ છે. ડિબ્રુઇની જે દેશ (બેલ્જિયમ)નો છે ત્યાં પણ હવે ક્રિકેટ ખૂબ રમાય છે અને બેલ્જિયમની ટીમ ક્રિકેટની સ્પર્ધાઓમાં ભાગ પણ લેતી હોય છે.

ટી-20 ક્રિકેટની લોકપ્રિયતા વધી છે ત્યારથી હંગેરી અને સર્બીયા જેવા યુરોપિયન દેશો પણ રમતા થયા છે.

ક્રિકેટની રમત ભલે ફૂટબૉલ જેટલી વ્યાપક સ્તરે લોકપ્રિય નથી, પરંતુ ‘જેન્ટલમેન્સ ગેમ’ તરીકે જાણીતી આ રમતનો ફેલાવો વિશ્વભરમાં થઈ જ રહ્યો છે.

ઑલિમ્પિક્સના ઇતિહાસમાં 128 વર્ષ બાદ હવે 2028ની લૉસ ઍન્જેલસ ઑલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવી છે જેમાં પુરુષો અને મહિલાઓ બંનેની ટી-20 ટુર્નામેન્ટ રમાશે.

શૉના એન્કરે જ્યારે ડિબ્રુઇનીને કહ્યું કે ‘જગતમાં ક્રિકેટની રમત બીજા નંબરની સૌથી લોકપ્રિય રમત છે જ.’ એ સાંભળીને ડિબ્રુઇની બોલ્યો, ‘શું? યુરોપના લોકો ક્રિકેટ જુએ છે? ના રે ના. હું જરાય નથી માનતો.’

ડિબ્રુઇનીએ એવું પણ કહ્યું હતું કે ‘હું ઘણી રમતને ફૉલો કરું છું પણ ક્રિકેટ તો નહીં જ.’ ડિબ્રુઇનીની આ વાત સાંભળીને સ્ટુડિયોમાં બધા હસી પડ્યા હતા. ડિબ્રુઇનીએ મૅન્ચેસ્ટર સિટીની ટીમ છોડી દીધી છે અને આ તેની છેલ્લી સીઝન છે.

આપણ વાંચો:  ‘….પરિસ્થિતિ બદલાશે’ IPL 2025 માંથી બહાર થયા બાદ રુતુરાજ ગાયકવાડનો મેસેજ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button