પ્રભુ ઇસુ જ્યાં જન્મ્યાં, એ બેથલેહામમાં આજે કોઇને ક્રિસમસ ઉજવવી નથી..
માનવતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, ક્રૂરતાના અંધકારમાં પ્રેમનો સંદેશો આપીને કરૂણાની જ્યોત જગાવનાર ઇશુ ખ્રિસ્તના જન્મદિવસની આજે વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે, પરંતુ એ વિધિની વક્રતા છે કે પ્રભુ ઇસુના જન્મસ્થળ ગણાતા જેરુસલેમના બેથલેહામ શહેરમાં કોઇ નાગરિકને ક્રિસમસ ઉજવવાની ઇચ્છા નથી. સદીઓ બાદ પહેલીવાર એવું થયું છે જ્યારે આખું બેથલેહામ ક્રિસમસની કોઇ ચમકદમક, પ્રવાસીઓની ધમાલ વગર સાવ ઉજ્જડ વેરાન શહેર જેવું લાગી રહ્યું છે.
પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ ઇઝરાયેલના નાઝારેથ પ્રાંતના બેથલેહામ ગામમાં થયો હતો. એ બેથલેહામ જે હવે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના વિનાશક યુદ્ધનો સાક્ષી બન્યું છે. સામાન્ય પણે જ્યારે ક્રિસમસ હોય ત્યારે બેથલેહામ પ્રવાસીઓથી ઉભરાતું હોય છે. ખાસ કરીને ચર્ચ ઓફ ધ નેટિવિટીમાં પ્રેયર માટે દુનિયાના ખૂણેખૂણેથી ખ્રિસ્તી લોકો આવી પહોંચતા હોય છે.
પરંતુ યુદ્ધની ભીષણ સ્થિતિએ આ શહેરની રોનકને ઝાંખી પાડી દીધી છે. ન કોઇ ક્રિસમસ ડેકોરેશન, ન તો કોઇ લાઇટિંગ્સ, હોટલો-રેસ્ટોરાંના માલિકોને પણ બુકિંગ કેન્સલ થઇ જતા મોટો આર્થિક ફટકો પહોંચ્યો છે. વેપારીઓ કહી રહ્યા છે કે આ અત્યાર સુધીના વર્ષોની સૌથી ખરાબ ક્રિસમસ છે.
ઇઝરાયલે આ વખતે ગાઝામાં તેનો સૌથી ક્રૂર ચહેરો દુનિયા સમક્ષ રજૂ કર્યો છે. ક્રિસમસની પૂર્વ સંધ્યાએ એટલે કે 24 ડિસેમ્બરથી આજ સવાર સુધીમાં ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરીને ગાઝામાં 70 લોકોનો ભોગ લીધો છે. આ હુમલાને કારણે અનેક ચર્ચમાં પ્રાર્થનાના કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. ઇઝરાયલે રાહત શિબિરને નિશાન બનાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો મોતને ભેટ્યા છે. મધ્ય ગાઝામાં રસ્તા પર મિસાઇલ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઇ જવામાં પણ અવરોધ ઉભો થયો છે.
પોપ ફ્રાંસિસે હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. રોમમાં સેન્ટ પીટર્સ બેસિલિકામાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ લોકોને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું હતું કે આજે બેથલેહામમાં જે સ્થિતિ છે, ત્યાંના લોકોને જે સહન કરવું પડી રહ્યું છે તેમની સાથે અમારી સંવેદનાઓ છે. બેથલેહામમાં પેલેસ્ટાઇનના અનેક ખ્રિસ્તીઓ પણ રહે છે જેમણે ચર્ચમાં મીણબત્તી પ્રગટાવીને આપત્તિમાંથી ઉગારી લેવા પ્રભુને પ્રાર્થના કરી હતી.