નિમિષા પ્રિયાને જીવન દાન મળ્યું: યમનમાં મૃત્યુદંડની સજા રદ, ગ્રાન્ડ મુફ્તીએ જીવ બચાવ્યો

સના: યમનમાં હત્યા કેસમાં દોષિત ઠર્યા બાદ કેરળ મૂળની નર્સ નિમિષા પ્રિયાને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, તેને 16 જુલાઈના રોજ મૃત્યુંદંડ આપવામાં આવનાર હતો, પરંતુ તેના એક દિવસ પહેલ સજા મુલતવી રાખવામાં આવી છે. હવે તેની મૃત્યુદંડની સજા સત્તાવર રીતે રદ કરવામાં આવી છે, ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબક્કર મુસલિયાર(Grand Mufti Kanthapuram AP Abubakker Musliyar)ની ઓફીસ તરફથી એક નિવેદન જહેર કરી આ માહિતી આપવામાં આવી છે. આ સાથે જ નિમિષા પ્રિયાને જીવનદાન મળ્યું છે.
ભારતના સુન્ની મુસ્લિમ નેતા ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબક્કર મુસલૈયારની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અગાઉ મુલતવી રાખવામાં આવેલી નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજાને હવે રદ કરવામાં આવી છે. સના(યમનનું પાટનગર)માં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અગાઉ અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવેલી મૃત્યુદંડની સજાને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.”
નોંધનીય છે કે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા રદ કરાવવા માટે ભારત સરકારે કરેલા તામામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતાં, સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારે કહ્યું હતું કે અમે તામામ પ્રયત્નો કરી ચુક્યા છીએ, ત્યાર બાદ નિમિષાને ફાંસી આપવામાં આવે એ નક્કી હતું. પરંતુ ત્યાર બાદ ભારતના ગ્રાન્ડ મુફ્તીના હસ્તક્ષેપને કારણે સજા મુલતવી રાખવામાં આવી હતી,હવે સજા રદ કરવામાં આવી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તીએ યમનના ધાર્મિક આગેવાન સાથે ચર્ચા કરી આ કામ પાર પાડ્યું છે.
નિમિષાએ હત્યા કેમ કરી?
નિમિષા નર્સ તરીકે કામ કરવા વર્ષ 2008માં યમન ગઈ હતી, ત્યાં કેટલીક હોસ્પિટલ્સમાં કામ કર્યા બાદ વર્ષ 2015 માં સ્થાનિક શખ્સ તલાલ અબ્દો મહદી સાથે પાર્ટનરશીપમાં ક્લિનિક શરુ કર્યું હતું. પરંતુ ત્યાર બાદ મહદીએ તેને હેરાન કરવાનું શરુ કર્યું.
મહદીએ કથિત રીતે લગ્નના ફોટોગ્રાફ સાથે છેડછાડ કરીને ખોટો દાવો કર્યો કે તેણે નિમિષા સાથે લગ્ન કર્યા છે, અને ક્લિનિક તેના કબજામાં કરી દીધું. નિમિષાના પરિવારનો આરોપ છે કે મહદી નિમિષા સાથે વારંવાર દુર્વ્યવહાર કરતો અને માર મારતો. તે યમનથી ભાગી ન જાય તે માટે પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો.
નિમિષાએ આ મામલે સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી, ત્યારે મહદીને થોડા સમય માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો, પરંતુ નિમિષાને પોલીસ પ્રોટેકશન મળ્યું નહીં અને હેરાનગતિ ચાલુ રહી. નિમિષાએ તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે કથિત રીતે મહદીને દવાનું ઇન્જેક્શન આપી બેભાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વધુ સ્ટ્રોંગ ડોઝ અપાઈ જતાં મહદીનું મૃત્યુ થયું. યમન એરપોર્ટ પર નિમિષાની ધરપકડ થઈ અને આખરે હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી.
આ પણ વાંચો….યમનમાં નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ કરાઈ? ડૉક્ટર પૌલનો મોટો દાવો