યમનમાં ભારતીય નર્સની ફાંસી મુલતવી: મૃતકના પરિવારનો 'જેવા સાથે તેવા'નો આગ્રહ...
ઇન્ટરનેશનલ

યમનમાં ભારતીય નર્સની ફાંસી મુલતવી: મૃતકના પરિવારનો ‘જેવા સાથે તેવા’નો આગ્રહ…

સના: ભારતમાં જ નહીં, પણ યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે આજે એટલે કે આજે તેને યમનમાં ફાંસીની સજા થવાની હતી. 14 જુલાઈના તેને ફાંસીની સજાને નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિમિષા પ્રિયાના પરિવારજનો માટે આ રાહતનો નિર્ણય છે, પરંતુ જેની હત્યા બદલ નિમિષા પ્રિયાને ફાંસીની સજા મળી છે, એ મૃતકના પરિવારજનો આ નિર્ણયથી નાખુશ છે.

મૃત્યુદંડથી ઓછી સજા મંજૂર નહીં
એક તરફ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો અને બીજી તરફ મૃતક તલાલ અબ્દોના પરિવારને મનાવી સમાધાન કરીને તેની ફાંસીની સજા રદ્દ કરાવવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ મૃતકના પરિવારે મીડિયા સાથે વાત કરતા તલાલ અબ્લો મહદીના ભાઈ અબ્દેલફત્તાહ મહદીએ જણાવ્યું હતું કે સમાધાનના પ્રયત્નોને લઈને અમારૂ સ્પષ્ટ વલણ છે. અમે ઈશ્વરના નિયમ જેવા સાથે તેવાની નીતિ પર અડગ છીએ. અમને આ લાંબી અને થકાવી દેનારી કેસની પ્રક્રિયાથી પણ ઘણું દુ:ખ થયું છે. આમ મૃતક તલાલ અબ્દોનો પરિવાર નિમિષાને મૃત્યુદંડથી ઓછી સજા થાય તેના માટે રાજી થશે નહીં, એવું લાગી રહ્યું છે.

મૃતકના પરિવારને રુ. 8.6 કરોડની ઓફર
‘ભારતના ગ્રાન્ડ મુફ્તી’ તરીકે ઓળખાતા ભારતના સુન્ની મુસ્લિમ નેતા કંથાપુરમ એપી અબુબકર મુસલિયારએ નિમિષા પ્રિયાના કેસમાં હસ્તક્ષેપ કરીને તેની સજા અટકાવી છે. હવે તેઓ યમનના એક સૂફી વિદ્વાન શેખ હબીબ ઉમર બિન હાફિઝની મદદથી નિમિષા પ્રિયાની ફાંસીની સજા રોકવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે. યમનના કાયદા મુજબ જો પીડિતનો પરિવાર રકમ સ્વીકારે તો દોષિતની સજા માફ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રોના જણાવ્યાનુસાર નિમિષા પ્રિયાના પરિવારે આ કેસમાં માફી મેળવવા માટે મૃતકના પરિવારને ₹8.6 કરોડની ઓફર કરી છે.

તલાલ અબ્દો મહદી મર્ડર કેસ અંગે જાણો?
ઉલ્લેખનીય છે કે કેરળની નિમિષા પ્રિયા નામની યુવતી 2008માં નર્સિંગની નોકરીની શોધમાં યમન ગઈ હતી. તેણે ત્યાંના તલાલ અબ્દો મહદી સાથે ભાગીદારીમાં એક ક્લિનિક શરૂ કર્યું હતું. નિમિષાનો પાસપોર્ટ તલાલ અબ્દો મહદી પાસે હતો. જેને પરત કરવા માટે તલાલે તેનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું હતું. જેણે નિમિષા પ્રિયાને ગુનો કરવા માટે મજબૂર કરી હતી. પરંતુ દવાના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો…ભારતના સુન્ની મુસ્લિમ આગેવાને યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી અટકાવી! જીવનદાન પણ અપાવી શકશે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button