Nigeria માં ફ્યુઅલ ટેન્કર વિસ્ફોટમાં 94 લોકોના મોત; અનેક ઘાયલ…

અબુજા: નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક જીવલેણ અકસ્માત થયો છે. જ્યાં જીગાવા રાજ્યના એક એક્સપ્રેસ વે પર ફ્યુઅલ ટેન્કરના વિસ્ફોટને કારણે 94 લોકોના મોત થયાના અહેવાલો છે, જ્યારે આ અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સેંકડો લોકો ટેન્કરમાંથી ઈંધણ લેવા પહોંચ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. પલટી ખાઈ ગયેલા ટેન્કરમાંથી લોકો ઈંધણને એકત્ર કરી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. આ ભીષણ આગમાં ઘટનાસ્થળે જ 94 લોકોના જીવ ગયા હતા.
નાઈજીરિયામાં આ અકસ્માત કોઇ પહેલીવાર નથી બન્યો. ગત મહિને પણ બે ટ્રકની ટક્કરથી થયેલા વિસ્ફોટમાં 48 લોકોના મોત થયા હતા. નાઈજીરિયામાં આવા જીવલેણ માર્ગ અકસ્માતો હવે સામાન્ય બની રહ્યા છે. નિષ્ણાતોના મતે, મોટા ભાગના અકસ્માતો પુરપાટ ઝડપે ડ્રાઇવિંગ, ખરાબ રસ્તાઓ અને વાહનોની જાળવણીવાળા અભાવે થાય છે.
નાઇજીરીયાના સંઘીય માર્ગ સુરક્ષા કોર અનુસાર, માત્ર નાઇઝીરિયામાં જ 2020માં 1,531 પેટ્રોલ ટેન્કરના અકસ્માતો સર્જાયા હતા. આ અકસ્માતોમાં 535 લોકોના મોત થયા છે. જેમાં 1,142 લોકોને ઇજા પહોંચી હતી. આમ, નાઈજીરીયામાં ઈંધણનો મુદ્દો પણ ગંભીર સમસ્યા બની રહી છે.