ઇન્ટરનેશનલ

યુએસથી નિકોલસ માદુરોનો પહેલો વિડીયો: પત્ની સાથે ફેડરલ કસ્ટડીમાં કેદ

ન્યુ યોર્ક: તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરીને શનિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર યુએસ સેનાએ દક્ષિણ અમેરિકા ખંડના દેશ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કરીને યુએસ લઇ જવામાં આવ્યા હતાં. ન્યૂ યોર્ક શહેરમાં બંધક હાલતમાં નિકોલસ માદુરોનો વિડીયો શેર કરવામાં આવ્યો છે.

શેર કરવામાં આવેલા વિડીયોમાં નિકોલસ માદુરો હાથકડી પહેરાવેલા જોવા મળે છે અને તેઓ યુએસ સૈનિકોથી ઘેરાયેલા છે, આ વિડીયો ન્યુયોકમાં યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) મુખ્યાલયના અંદર કોરિડોરનો છે.

માદુરોની પત્ની સિલિયા ફ્લોરેસને પણ બંધક બનાવીને ન્યૂ યોર્ક લાવવામાં આવ્યા છે. શનિવારે સાંજે બંનેને યુએસના એક મીલીટરી બેઝ પર લાવવામાં આવ્યા હતાં, ત્યાર બાદ બંનેને ન્યુ યોર્ક લઇ જવામાં આવ્યા.

નાર્કો-ટેરરિઝમનો કેસ ચાલશે:

માદુરો અને તેની પત્નીને ફેડરલ કસ્ટડીમાં કેદ કરવામાં આવ્યા છે. ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે નાર્કો-ટેરરિઝમ ષડયંત્રમાં તેમની ભૂમિકા હોવાના ફોજદારી આરોપ લગવાયા છે, જે હેઠળ તેમના સામે ટ્રાયલ ચાલી શકે છે.

અહેવાલો અનુસાર, DEA ઓફિસથી માદુરોને બ્રુકલિમાં આવેલી મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવશે.

યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ” અબ્સોલ્યુટ રીઝોલ્વ” નામના આ ઓપરેશનનું આયોજન અને રિહર્સલ મહિનાઓથી કરવામાં આવી રહ્યું હતું. શનિવારે માત્ર 30 મિનિટથી ઓછા સમયમાં જ પર પાડવામાં આવ્યું હતું અને વેનેઝુએલામાં નિકોલસ માદુરોના શાસનનો અંત લાવવામાં આવ્યું.

માદુરોના અપહરણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ અસ્થાયી રૂપે વેનેઝુએલાનું સંચાલન કરશે અને વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારને અન્ય દેશોને મોટી માત્રામાં વેચશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button