આ ફૂટબોલ સ્ટારની ગર્લફ્રેન્ડ અને બાળકના અપહરણનો પ્રયાસ
બદમાશોએ ઘર લૂટ્યું, માતા-પિતાને બંધક બનાવ્યા
સાઓ પાઉલો (બ્રાઝિલ) અમેરિકાનાના કેટલાક દેશઓ ગુનાખોરી માટે ઘણા કુખ્યાત છે. વેનેઝુએલા, મેક્સિકો જેવા દેશોમાં સામાન્ય લોકોને રહેવું મુશ્કેલ છે. હવે એવા સમાચાર આવ્યા છે કે બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં પ્રખ્યાત ફૂટબોલર નેમારની ગર્લફ્રેન્ડ અને બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઘટના 7 નવેમ્બરે બની હતી, જ્યારે ગુનેગારોની એક ટોળકીએ બ્રાઝિલના પ્રખ્યાત ફૂટબોલર નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડીના ઘર પર હુમલો કર્યો હતો અને ત્યાં લૂંટ ચલાવી હતી. આ ગુનેગારોએ નેમારની ગર્લફ્રેન્ડ અને બાળકનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ઘરે હાજર ન હોવાથી બચી ગયા હતા..
જ્યારે ગુનેગારોએ હુમલો કર્યો ત્યારે બિયાનકાર્ડીના માતા-પિતા ઘરે હતા. તેમને ઘરની અંદર બાંધી દેવામાં આવ્યા હતા. જોકે, તેઓ પણ હુમલામાં કોઈ નુકસાન થયા વિના બચી ગયા હતા. બિયાનકાર્ડીએ પાછળથી આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેના માતાપિતા સુરક્ષિત છે. તેણે પુષ્ટિ કરી હતી કે ઘટના સમયે તે અને તેની પુત્રી ઘરે ન હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ગુનેગારો લક્ઝરી હેન્ડબેગ, ઘડિયાળો અને ઘરેણાં લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા. આજુબાજુના પડોશીઓને નેમારની ગર્લ ફ્રેન્ડના ઘરમાં કંઇક અજુગતું થઇ રહ્યું હોવાની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. પોલીસ એક બદમાશની ધરપકડ કરવામાં સફળ થઇ છે. અન્ય બદમાશોની શઓધ ચાલુ છે અને ટૂંક સમયમાં જ તેમની પણ ધરપકડ કરી લેવામાં આવશે, એવી સ્થાનિક પોલીસે માહિતી આપી હતી.