ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનના પ્રધાન બોલ્યા ખોટું, વિદેશી મીડિયાએ ખોલી પોલ

લાહોરઃ ભારતે ઓપરેશન સિંદૂરથી પહલગામમાં 26 પ્રવાસીઓના મોતનો બદલો લીધો હતો. ભારતે પીઓકે અને પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા. 100થી વધુ આતંકી માર્યા ગયા હતા. ભારતની કાર્યવાહી બાદ વિદેશી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં પાકિસ્તાનના સૂચના પ્રધાન જૂઠ્ઠું બોલવાની કોશિશ કરતા હતા, પરંતુ એંકરે તરત જ તેમની બોલતી બંધ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
એંકર યલ્દા હકીમે ભારતીય સશસ્ત્ર દળ દ્વારા પાકિસ્તાનના આતંકી સ્થાનો પર કરવામાં આવેલા હુમલા અંગે પાકિસ્તાનના પ્રધાન અતાઉલ્લાહ તરારને આડે હાથ લીધા હતા. પાકિસ્તાનના પ્રધાન દાવો કરતા હતા કે, પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી કેમ્પ નથી અને પાકિસ્તાન ખુદ આતંકવાદથી પાડિત છે. તેના પર એંકર કહ્યું કે, રક્ષા પ્રધાને મારા શોમાં સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાન પશ્ચિમી દેશોના કહેવા પર આતંકવાદ જેવા ગંદા કામ કરી રહ્યું છે.
ઈન્ટરવ્યૂ દરમિયાન પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફને સવાલ કરવામાં આવ્યો કે, શું તમે માનો છો કે આ આતંકી સંગઠનોને ફંડ કરવા અને ટ્રેનિંગ આપવાનો પાકિસ્તાનનો લાંબો ઈતિહાસ છે? જેના પર પાકિસ્તાનના રક્ષા પ્રધાને કહ્યું, આ ગંદુ કામ અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમી દેશો ત્રણ દાયકાથી કરી રહ્યા છે. ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે લશ્કર-એ-તૈયબા અને ટીઆરએફ એટલે કે ધ રેજિસ્ટેંસ ફ્રંટ અંગે જાણકારી નહી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, લશ્કરનું જૂનું નામ છે, પરંતુ હવે નથી.
શું છે ઓપરેશન સિંદૂર?
પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો….Operation Sindoor: તમે અમારી સુહાગનોની સેથીના સિંદુર ઊજાડ્યા…આ રીતે પડ્યું નામ