ઇન્ટરનેશનલ

ન્યૂઝીલેન્ડમાં શીખ સમુદાય અને સ્થાનિકો સામસામે: પંજાબના સીએમ ભગવંત માને કેન્દ્ર પાસે માંગી મદદ…

ઓકલેન્ડમાં સ્થાનિકોએ ‘હાકા’ નૃત્ય સાથે અટકાવ્યો રસ્તો; કહ્યું- ‘આ ભારત નથી, ન્યૂઝીલેન્ડ છે’

ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં શીખ સમુદાયના નગર કીર્તન પર સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ‘આ ભારત નથી… ન્યૂઝીલેન્ડને ન્યૂઝીલેન્ડ જ રહેવા દો’ જેવા નારા લગાવીને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ શીખ સમુદાયના નગર કીર્તનનો રસ્તો અટકાવ્યો હતો. આ ઘટના સાઉથ ઓકલેન્ડના મુનરેવા વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે. અહીં સ્થાનિકોએ માઓરી સંસ્કૃતિના પરંપરાગત ‘હાકા’ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે, પંજાબના મુખ્ય પ્રધાને આ ઘટનાને વખોડી નાખી હતી.

શનિવારે ગુરુદ્વારા નામકસર ઠાઠ ઈશર દરબારથી શરૂ થયેલું નગર કીર્તન વિસ્તારમાં ફરીને પાછું ફરતું હતું. ત્યારે અચાનક સ્થાનિક લોકોએ એકઠા થઈને રસ્તો બંધ કરી દીધો હતો. આ લોકોના હાથમાં બેનર હતા, જેમાં‘આ અમારી જમીન છે, આ અમારો અડગ અભિગમ છે’ જેવા નારાએ લખવામાં આવ્યાં હતાં. શીખ સમુદાયના લોકોએ આ દરમિયાન સંયમ રાખ્યો, જેના કારણે કોઈ ભારે બબાલ થઈ નહોતી. એટલું જ નહીં પરંતુ પોલીસે સમયસર પહોંચીને પ્રદર્શનકારીઓને હટાવી દીધા હતાં. પરંતુ આ ચિંતાનો વિષય છે. વિદેશમાં ભારતનો વિરોધ થવો ચિંતાની વાત છે.

આ મામલે પંજાબના સીએમે આપી પ્રતિક્રિયા

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે. મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ જેવા વિકસિત દેશોમાં આવું થાય તેવી અપેક્ષા નહોતી. દરેકને તેમના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો પૂરો અધિકાર છે.’ તેમણે કેન્દ્ર સરકારને ન્યૂઝીલેન્ડ સરકાર સાથે વાત કરવાની સલાહ આપી અને રાજદૂત સમક્ષ આ વાંધો ઉઠાવવાની માંગણી પણ કરી છે. .

આ ઘટના ન્યૂઝીલેન્ડમાં વધતા સ્થાનિક-પ્રવાસી તણાવનું કારણ બની છે. સ્થાનિક માઓરી અને અન્ય સમુદાયો ભારતીયોના વધતા પ્રભાવથી ચિંતિત દેખાય છે. શીખ કોમ્યુનિટીના નેતાઓએ પોલીસ અને સરકાર પાસે રક્ષણની માંગ કરી છે. આ મામલે ન્યૂઝીલેન્ડ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ન્યૂઝીલેન્ડના લોકોએ આ મામલે શું કહ્યું?

આ સમગ્ર મામલે ન્યૂઝીલેન્ડના લોકોએ કહ્યું કે, અમે વ્યાજબી સવાલ કરી રહ્યાં છીએ, આપણાં રસ્તાઓ પર ધારદાર હથિયારો લઈને ફરવું એ કેટલું યોગ્ય છે? ન્યૂઝીલેન્ડ માટે આ કોઈ સામાન્ય વાત નથી. વધુમાં કહ્યું કે, હાકા નૃત્ય નફરત નથી. આ એક લક્ષ્મણ રેખા છે. આ એક પડકાર છે. ન્યૂઝીલેન્ડ એક ખ્રિસ્તી રાષ્ટ્ર છે. અને રસ્તા પર ધારદાર હથિયારો લઈને ચાલવું એ ન્યૂઝીલેન્ડની જીવનશૈલી નથી. આ દરમિયાન કોઈ હિંસા કે રમખાણ થયા નથી, મારા યુવાનો બસ સામસામે ઊભા રહીને હાકા નૃત્ય કરી રહ્યા હતાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button