ન્યુઝીલેન્ડમાં ફરી શીખોનું અપમાન! ખ્રિસ્તી જુથે ‘હાકા’ ડાન્સ કરીને શીખ શોભાયાત્રા અટકાવી…

ઓકલેન્ડ: ન્યુઝીલેન્ડમાં છેલ્લા એક મહિનામાં બીજી વખત શીખ સમુદાયના અપમાનની ઘટના બની છે. આજે ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિની નિમિતે શીખ સમુદાય દ્વારા આયોજિત નગર કીર્તન યાત્રાનો એક સ્થાનિક રાઈટ વિંગ ધાર્મિક જૂથે વિરોધ કર્યો હતો. આ ઘટના મામલે અમૃતસર સ્થિત શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) સહિત શીખ સંગઠનોને ચિંતા વ્યક્ત કરી છે.
અહેવાલ મુજબ, આ ઘટના ઓકલેન્ડથી લગભગ 225 કિમી દૂર આવેલા તૌરંગા શહેરમાં બની હતી. ગુરુદ્વારા શીખ સંગત મંદિરથી આજે રવિવારે 11 વાગ્યે શોભાયાત્રા શરૂ થઈ હતી અને કેમેરોન રોડ થઈને તૌરંગા બોય્ઝ કોલેજ તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન ખ્રિસ્તી ધર્મના આગેવાન બ્રાયન તામાકી અને ડેસ્ટિની ચર્ચ સાથે જોડાયેલા લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું અને શોભાયાત્રાને અટકાવી હતી.
ખ્રિસ્તી જુથે શીખ શોભાયાત્રાની સામે પરંપરાગત આદિવાસી નૃત્ય ‘માઓરી હાકા’ પરફોર્મ કર્યું. આ દરમિયાન “આ ભારત નહીં પણ ન્યુઝીલેન્ડ છે” લખેલા બેનરો જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો…ન્યૂઝીલેન્ડમાં શીખ સમુદાય અને સ્થાનિકો સામસામે: પંજાબના સીએમ ભગવંત માને કેન્દ્ર પાસે માંગી મદદ…
અનિચ્છનીય ઘટના ટળી:
ખ્રિસ્તી જૂથ શીખ સમુદાયની આ શોભાયાત્રાના વિક્ષેપ પાડે એવી શક્યતાને ધ્યાનમાં રાખીને, પોલીસ વિભાગે પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. પોલીસ બંને પક્ષોએ સમાધાન કરાવ્યું હતું અને અનિચ્છનીય ઘટના ટળી હતી.
બ્રાયન તામાકીએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું હતું, “આ રસ્તાઓ કોના છે? કીવીઓની છે” “સાચા દેશભક્તો પાછળ ન હટતા.”
ઓકલેન્ડમાં બની હતી આવી ઘટના:
ગત મહીને ઓકલેન્ડમાં શીખ સમુદાયની એક શોભાયાત્રા દરમિયાન પણ આવા દ્રશ્યો સર્જાયા હતાં, જેને કારણે તણાવ પેદા થયો હતો. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, અકાલ તખ્તના જથેદાર અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.



